૬૫૦ કરોડનાં કૌભાંડમાં અશોક જાડેજા વગર ટ્રાયલે છૂટી જશે?

અમદાવાદ: જય માડીના નામે એકના ત્રણ ગણા કરી આપવાની લાલચ આપીને 650 કરોડ કરતાં વધુનું કૌભાંડ આચરવાના ચકચારી કેસમાં અશોક જાડેજા છેલ્લાં સાત વર્ષથી જેલમાં બંધ છે. અશોક જાડેજા વિરુદ્ધમાં દેશભરમાં 135 છેતરપિંડીના કેસો નોંધાયા છે. આ તમામ કેસોમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોની કોર્ટએ અશોક જાડેજાને જામીન આપી દીધા છે. જોકે જામીન ઉપર છૂટવા માટે અંદાજે દોઢ કરોડ રૂપિયા કોર્ટમાં જમા નહીં કરાવી શકતા તે હજુ સુધી જેલમાં છે. અશોક જાડેજા વિરુદ્ધમાં જે કલમો હેઠળ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં મહત્તમ સજાની જોગવાઇ 7 વર્ષની જ છે. 30 જૂને અશોક જાડેજાને જેલમાં સાત વર્ષ પૂરાં થાય છે. તેથી ૩૦ જૂન પછી અશોક જાડેજા ગમે ત્યારે જેલમાંથી મુક્ત થઈ શકે છે.

વર્ષ 2009માં અશોક જાડેજાએ મકરબા પાસે વહાણવટી શિકોતર માતાના આશીર્વાદ છે અને તમામ છારા કોમ્યુનિટીને કરોડપ‌િત બનાવવાની છે તેવો અંધવિશ્વાસ ફેલાવીને એક કા તીન રૂપિયાની લાલચ આપવાની સ્કીમ શરૂ કરી હતી, જેમાં શરૂઆતમાં અશોક જાડેજાએ લોકોને વિશ્વાસમાં લેવા માટે એક કા તીન કરીને આપ્યા હતા. અમદાવાદ ઉપરાંત રાજ્ય અને રાજ્ય બહારના લોકો ઊમટવા લાગ્યા હતા. અંધવિશ્વાસમાં આવેલા લોકોએ કરોડપતિ થવાની લાલચે પોતાનાં ઘરબાર વેચી મારીને અશોક જાડેજા પાસે એક તીન કરવા માટે રૂપિયા આપ્યા હતા. એક કા તીન કરવાની લાલચમાં કેટલાક પોલીસ અધિકારીઓ તથા રાજકારણીઓ પણ આવી ગયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ સિવાય અભિનેતા કિરણ કુમારે પણ શિકોતર માતા ઉપર ફિલ્મ બનાવવા માટે અશોક જાડેજા સાથે બેઠક કરી હતી, જોકે સમગ્ર કૌભાંડ બહાર આવતાં સીઆઇડી ક્રાઇમે કિરણ કુમારની સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી હતી અને તેમનું નિવેદન લઇને છોડી મૂક્યા હતા.

અશોક જાડેજા વિરુદ્ધમાં 13 રાજ્યમાં 135 કેસ નોંધાયા છે. 7 વર્ષ થઇ ગયા તેમ છતાંય 135 કેસમાંથી માત્ર એક જ કેસની ટ્રાયલ શરૂ થઇ છે, જેમાં 500 સાક્ષીઓ પૈકી 80 સાક્ષીઓને તપાસ્યા છે. આ કેસમાં સૌપ્રથમ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી

જોકે કેસની તપાસ સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.કે.પટેલને સોપાઇ હતી સીઆઇડી ક્રાઇમે અશોક જાડેજા સહિત 45 લોકોની ધરપકડ કરી હતી. 650 કરોડ કરતા વધુનાં આ કૌભાંડમાં અશોક જાડેજા વિરુદ્ધમાં ગુજરાતમાં 68 ગુના અને અન્ય રાજ્યોમાં 67 ગુના છેતરપિંડીના દાખલ થયા હતા. સીઆઇડી ક્રાઇમે અશોક જાડેજા તથા તેની પત્ની સહિત તેના સાગરીતોની 31-5-2009ના રોજ શ્યામલ સર્કલ પાસેથી ધરપકડ કરી હતી.

ત્યારબાદ અશોક જાડેજા અને તેમના સાગરીતો પાસેથી 100 કરતાં વધુ કાર અને 25 કરોડ કરતાં વધુની મતબાર રકમ સહિત સોના ચાદીના દાગીના અને 200 કરોડની જમીનના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. 135 કેસમાં અશોક જાડેજાને ગુજરાત સહિતની અન્ય રાજ્યોની કોર્ટે જામીન પર છોડવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છેકે અશોક જાડેજાએ આચરેલા કરોડો રૂપિયાની છેતરપિંડીના કૌભાંડમાં સજાની જોગવાઇ 7 વર્ષની છે. છેલ્લાં 7 વર્ષથી અશોક જાડેજા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો છે. અશોક જાડેજાના વકીલ ચંદ્રકાન્ત ધોળકિયાએ જણાવ્યું છે કે અશોક જાડેજાને જે સજા થવી જોઇએ તે સજા તેને કાચા કામના કેદી તરીકે કાપી લીધી છે હજુ સુધી ઘણા બધા કેસોમાં ટ્રાયલ પણ શરૂ થઇ નથી. અમે કોર્ટમાં ૩૦ જૂન પછી કોર્ટમાં અપીલ કરી અશોક જાડેજાને છોડી મૂકવા માગણી કરીશું.

You might also like