એક કા તીન કૌભાંડમાં અશોક જાડેજાના ભત્રીજાને એકસાથે ૧૯ કેસમાં જામીન

અમદાવાદ: જય માડીના નામે એકના ત્રણ ગણા કરી આપવાની લાલચ આપીને 650 કરોડ કરતાં વધુના કૌભાંડમાં સંડોવાયેલા અશોક જાડેજાના ભત્રીજા શશી ખીમજી જાડેજાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટના પ્રિન્સિપાલ જ્જ એ.જે.જોષીએ 19 ગુનામાં જામીન પર મુક્ત કર્યો છે. બે મહિના પહેલાં એસઓજી ક્રાઇમે સરખેજથી શશીની ધરપકડ કરીને સીઆઇડી ક્રાઇમને સોંપ્યો હતો. વર્ષ 2009માં અશોક જાડેજાની ધરપકડ કરાઇ હતી.

કેસની તપાસ સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.કે. પટેલને સોંપાઇ હતી. સીઆઇડી ક્રાઇમે કુલ 45 લોકોની ધરપકડ કરી હતી. કૌભાંડમાં અશોક જાડેજા તથા તેના એજન્ટ વિરુદ્ધમાં ગુજરાતમાં 68 ગુના અને અન્ય રાજ્યમાં 67 ગુના છેતર‌િપંડી તથા વિશ્વાસઘાતના દાખલ થયા હતા. અા કેસમાં નાસતા ફરતા શશી જાડેજાની બે મહિના પહેલાં ધરપકડ થઇ હતી.

શશી સરખેજ વિસ્તારમાં રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. શશી વિરુદ્ધમાં એક કા તીન કૌભાંડમાં 20 ગુના CID ક્રાઇમમાં દાખલ થયા હતા. બે મહિનાથી શશી જાડેજા સેન્ટ્રલ જેલમાં બંધ હતો. થોડાક દિવસ પહેલાં શશીના વકીલ આઇ.એમ. દેસાઇએ એક કેસમાં જામીનઅરજી ફાઇલ કરી હતી, જેમાં કોર્ટે શશીને જામીન પર મુક્ત કર્યો હતો. ત્યારબાદ શશીએ એકસાથે 19 જામીનઅરજી પ્રિન્સિપાલ જ્જની કોર્ટમાં કરી હતી. તમામ અરજીઓને કોર્ટે ગ્રાહ્ય રાખતાં શશીને એકસાથે 19 ગુનામાં જામીન પર મુક્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં અગાઉ કોર્ટે સાત વર્ષથી જેલમાં રહેલા અશોક જાડેજા અને તેના તમામ સાગરીતોને જામીન આપી દીધા હતા. શશીની કેસમાં મહત્ત્વની ભૂમિકા નહીં હોવાની તથા અશોક જાડેજા સહિત અન્ય આરોપીઓને જામીન મળી ગયા હોવાના ગ્રાઉન્ડ પર શશીને જામીન અપાયા છે.
http://sambhaavnews.com/

You might also like