બાપુ કોંગ્રેસમાં જ છે અને તેમની સાથે બેઠક પણ કરીશ

અમદાવાદ: હાલમાં હાઇકમાન્ડથી નારાજ ચાલતા કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ યુવક કોંગ્રેસના આજે યોજાનારા સ્નેહ મિલન સમારંભમાં હાજર રહેવાની એક પ્રકારે અનિચ્છા દર્શાવતાં ખુદ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને તેમને મનાવવા દોડી જવું પડ્યું હતું. તેમ છતાં શંકરસિંહ વાઘેલાની નારાજગી યથાવત્ રહેતાં યુવક કોંગ્રેસને સ્નેહ મિલન સમારંભ રદ કરવો પડ્યો છે. જેના કારણે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસથી હજુ નારાજ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. આ સંજોગોમાં ગુજરાતની મુલાકાતે આવેલા પ્રદેશ પ્રભારી અશોક ગહેલોત શંકરસિંહ વાઘેલાની નારાજી દૂર કરી શકશે કે કેમ તેની પણ ચર્ચા ઊઠી છે.

અશોક ગહેલોત ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હોઇ આજે સવારે તેમની અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની હાજરીમાં નવરંગપુરાથી સ્ટેડિયમ પાંચ રસ્તા મધ્ય પ્રદેશના ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જોકે રાજકીય વર્તુળોમાં અશોક ગેહલોત અને શંકરસિંહ વાઘેલા વચ્ચેની સંભવિત બેઠકની જોરશોરથી ચર્ચા થઇ રહી છે.
પ્રદેશ પ્રભારી અશોક ગહેલોતે પણ આજે સવારે મીડિયા સાથેની વાતચીતમાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જ છે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું. શંકરસિંહ વાઘેલા અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાપુ કોંગ્રેસથી નારાજ નથી. આગામી દિવસોમાં બાપુ કોંગ્રેસની સાથે જ છે. કોંગ્રેસના તમામ નેતાઓ સાથે હું ચૂંટણીલક્ષી બેઠક કરવાનો છું બાપુ સાથે પણ હું બેઠક કરીશ. પાટીદાર યુવાનનાં મોત પર તેમણે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોઇ પણ મોત થાય તો તે દુઃખદ જ છે અને સરકારની લાપરવાહીથી થાય તે વધુ દુઃખદ છે. અત્યારે જે હાલત પેદા થઇ છે તે વધુ બગડે નહીં તે જોવાની જ સરકારની જવાબદારી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોમાં પણ મધ્ય પ્રદેશની ઘટનાને લઇને નારાજગી છે. વડા પ્રધાને ખેડૂતોને આપેેલ પોષણક્ષમ ભાવનો વાયદો પૂરો કરવો જોઇએ. કોંગ્રેસ ગુજરાતમાં કામિયાબ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા અશોક ગહેલોતે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા રર વર્ષથી ગુજરાતનું માર્કેટિંગ કરાયું છે. ગુજરાતમાં ક્યાંય મોડેલ જેવું નથી. વાયબ્રન્ટમાં પણ કોઇ ઇન્વેસ્ટમેન્ટ આવતું નથી. લઘુ ઉદ્યોગો પણ બંધ થઇ ગયા છે.
http://sambhaavnews.com/

You might also like