કૌભાંડી છાજેડને હજુ પણ મ્યુનિ. સત્તાધીશો છાવરવાના મૂડમાં!

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પ્રીતિપાત્ર અશોક છાજેડની આરટીઓ ચેકપોસ્ટ કૌભાંડમાં એસીબીએ ધરપકડ કરવા છતાં પણ સત્તાધીશો છાજેડની કંપની છાજેડ એન્ડ એસોસિયેટ્સને છાવરવાના મૂડમાં છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશો છાજેડ એન્ડ એસો. પર લાંબા સમયથી મહેરબાન રહ્યા છે.

આર્થિક લાભ અપાવવાના મામલે તંત્રના જાણે કે છાજેડ પર દસ હાથ હોય તેવો માહોલ લાગતા-વળગતાઓ અનુભવી રહ્યા છે. તાજેતરમાં સ્માર્ટ સિટી લિમિટેડની કંપનીના ગઠનની જવાબદારી પણ છાજેડને સોંંપાઇ હતી. આરટીઓ ચેકપોસ્ટ કૌભાંડ બાદ છાજેડના બેલગામ કામકાજ પર અંકુશ લગાવવાને બદલે શાસકો આ કંપનીને હજુ છાવરી રહ્યા હોય તેવું લાગે છે.

કરોડો રૂપિયાના આરટીઓ ચેકપોસ્ટ કૌભાંડમાં એસીબીએ જીઆઇપીએલના પૂર્વ સીઇઓ વિનોદ શર્મા પછી ઇન્ટરનલ સીએ અશોક છાજેડની પણ ધરપકડ કરી છે. આરટીઓ ચેકપોસ્ટ કૌભાંડમાં છાજેડ હાલમાં જેલના સળિયા ગણે છે, પરંતુ કોર્પોરેશનના શાસકો હજુ પણ છાજેડ પર મહેરબાન હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

કોર્પોરેશનમાં પ્રિ-ઓડિટનું કરોડો રૂપિયાનું કામ વગર ટેન્ડરે મેળવનાર છાજેડ પાસે જેએનયુઆરએમ, બીઆરટીએસના ઓડિટનું પણ કામ છે. કોર્પોરેશનના ટેન્ડરનું ફાઇનાન્શિયલ ઇ-વેલ્યુએશન પણ છાજેડ એન્ડ એસો. સંભાળે છે. જેમાં છાજેડની કામગીરી વારંવાર વિવાદાસ્પદ બની છે. આ સંજોગોમાં આરટીઓ ચેકપોસ્ટના કૌભાંડી છાજેડની કોર્પોરેશનમાંથી હકાલપટ્ટી જ કરવાની હોય તેમ છતાં સત્તાવાળાઓ ઉડાઉ જવાબ આપીને છાજેડને હજુ પણ છાવરી રહ્યા છે.

આરટીઓ કોભાંડનો રિપોર્ટ મેળવીને ખરા ખોટાની તપાસ કરાશેઃ પ્રવીણ પટેલ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ કહે છે કે, “પહેલાં તો હું આરટીઓ ચેકપોસ્ટ કૌભાંડનો પૂર્ણ રિપોર્ટ મગાવીશ. આ ઉપરાંત કોર્પોરેશનનાં કામોની માહિતી મેળવીશ. તેના આધારે ખરા ખોટાની તપાસ કરાશે ત્યાર બાદ નિર્ણય લેવાશે. જોકે કોઇને પણ પંપાળવામાં નહીં આવે.”

છાજેડ ગુનેગાર હશે તો કોર્પોરેશનમાં એન્ટ્રી નહીં અપાયઃ ગૌતમ શાહ
મેયર ગૌતમ શાહ કહે છે કે, “કોર્પોરેશનના પ્રિ-ઓડિટના નવા ટેન્ડરમાં કોઇ નિર્ણય લેવાયો નથી, પરંતુ જો ચેકપોસ્ટ કૌભાંડમાં છાજેડ ગુનેગાર હશે તો કોર્પોરેશનમાં તેમને એન્ટ્રી નહીં અપાય. અન્ય મ્યુનિ. કંપનીઓના કામમાંથી પણ છાજેડનો આપોઆપ છેદ ઉડી જશે!”

મ્યુનિ. કમિશનર ડી.થારા નિર્ણય લેશેઃ આર્જવ શાહ
નાણાં વિભાગનો હવાલો સંભાળતાં ડેપ્યુટી કમિશનર આર્જવ શાહ કહે છે, “આજે કમિશનર ડી.થારા સમક્ષ છાજેડને લગતી હકીકતલક્ષી રજૂઆત કરાશે. જેના આધારે કમિશનર નિર્ણય લેશે.”

You might also like