‘તેં શરીરના કયા હિસ્સાનું હજુ સુધી ઓપરેશન નથી કરાવ્યું?’

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર આશિષ નહેરાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કરી લીધો છે.નહેરા પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ ન્યૂઝીલેન્ડ સામે પોતાના હોમગ્રાઉન્ડ ફિરોજશા કોટલા મેદાન પર રમશે. ૩૮ વર્ષીય નહેરાને દેશનો સર્વશ્રેષ્ઠ ડાબેરી ફાસ્ટ બોલર માનવામાં આવે છે. જોકે સતત ઈજાને કારણે ૧૮ વર્ષની આંતરરાષ્ટ્રીય કરિયરમાં તેને ભારત તરફથી વધુ મેચ રમવાની તક મળી નથી. ઈજાને કારણે નહેરા સતત ટીમમાંથી અંદર-બહાર થતો રહ્યો છે. તાજેતરમાં જ એન્કર ગૌરવ કપૂરે એક ઇન્ટર્વ્યૂ દરમિયાન નહેરાની ઈજાઓ અંગે વાતચીત કરી.

ગૌરવે ઇન્ટર્વ્યૂમાં જ્યારે નહેરાને સતત ઈજાગ્રસ્ત થવા અંગે સવાલ પૂછ્યો ત્યારે આ ફાસ્ટ બોલરે કહ્યું, ”અત્યાર સુધીમાં મારાં ૧૨ ઓપરેશન થઈ ચૂક્યાં છે. ઘંટણ, એન્કલ, એલબો, હેમસ્ટ્રિમ… શરીરના લગભગ દરેક હિસ્સાનું હું ઓપરેશન કરાવી ચૂક્યો છું.” ત્યાર બાદ ગૌરવે તેને પૂછ્યું કે, ‘શરીરનો એક એવો હિસ્સો કયો છે, જેનું ઓપરેશન નથી થયું.” ત્યારે આશિષ નેહરાએ મજાકના અંદાજમાં પોતાની જીભ દેખાડીને કહ્યું, ”આ છે… જેનું ઓપરેશન હજુ નથી થયું.”

આ ઇન્ટર્વ્યુ દરમિયાન ગૌરવે પૂછ્યું હતું કે, ”તમને શા માટે કંજૂસ ક્રિકેટર કહેવામાં આવે છે” આ સવાલના જવાબમાં નહેરાએ કહ્યું, ”આનો શ્રેય યુવરાજસિંહને જાય છે. યુવીએ દરેક જગ્યાએ એ વાત ફેલાવી દીધી કે આશિષ કંજૂસ છે એટલું જ નહીં, આમાં વિરાટનું નામ પણ જોડી દીધું. યુવરાજ અંગે મેં વિરાટને કહ્યું હતું કે જે દિવસે યુવી બિલના પૈસા આપે છે, એ દિવસે વરસાદ પડે છે.”

ઇન્ટર્વ્યૂ દરમિયાન નહેરાએ જણાવ્યું કે, ”હું સોશિયલ મીડિયાથી દૂર રહું છું. ફક્ત વોટ્સએપ પર સક્રિય રહું છે. મોબાઇલમાં ફક્ત લાલ અને લીલા બટન સુધી જ સીમિત રહું છું.” હરભજનસિંહ, યુવરાજ, હાર્દિક અને રોહિત શર્મા ખેલાડીઓને નેહરાએ મજાકિયા સ્વભાવના ગણાવ્યા હતા.

You might also like