કાંગારું સામે ટી-૨૦ શ્રેણી માટેની ટીમ ઇન્ડિયામાં આ ચોંકાવનારા નિર્ણયો

ગઈ કાલે શ્રેણીની અંતિમ વન ડે જીતવા સાથે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ૪-૧થી રગદોળી નાખ્યું. ત્યારબાદ ટી-૨૦ શ્રેણી માટે ગઈ કાલે રાત્રે ૧૧.૩૪ વાગ્યે બીસીસીઆઇએ ટ્વિટ કરીને ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી. તારીખ ૭ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી માટે દિનેશ કાર્તિક અને આશિષ નેહરાની ટીમમાં વાપસી થઈ છે, જોકે આ શ્રેણી માટે ભારતીય પસંદગીકારોએ કેટલાક ચોંકાવનારા નિર્ણયો લીધા છે.

• ઉમેશ યાદવ અને મોહંમદ શમીના ફાસ્ટ બોલિંગ આક્રમણ પર ૩૮ વર્ષના આશિષ નેહરાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આશિષ નેહરા છેલ્લે ફેબ્રુઆરી-૨૦૧૭માં ઈંગ્લેન્ડ સામે ટી-૨૦ મેચમાં રમ્યો હતો. ફિટનેસ સામે ઝઝૂમી રહેલા નેહરાએ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી આઇપીએલની છ મેચમાં આઠ વિકેટ ઝડપી હતી.

• એવું લાગી રહ્યું છે કે દિનેશ કાર્તિકને રિઝર્વ વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તેના માટે ચેમ્પિયન્સ ટ્રોફીવાળી સ્થિતિ સર્જાઈ શકે છે, જેમાં તેને એક પણ મેચમાં રમવાની તક મળી નહોતી, જોકે વિન્ડીઝ પ્રવાસ (જુલાઈ-૨૦૧૭)માં તેને બે વન ડે અને એક ટી-૨૦ મેચમાં રમવાની તક મળી હતી. દિનેશ કાર્તિકે દુલીપ ટ્રોફી ફાઇનલમાં ઇન્ડિયા રેડનું નેતૃત્વ સંભાળતાં પહેલી ઇનિંગ્સમાં સદી (૧૧૧ રન) ફટકારી હતી. ઇન્ડિયા રેડે ખિતાબી ટક્કરમાં સુરેશ રૈનાની ઇન્ડિયા બ્લૂને ૧૬૩ રને માત આપી હતી.

• ઓસ્ટ્રેલિયા સામે વન ડે શ્રેણીમાં સતત ચાર અર્ધસદી (૫૫, ૭૦, ૫૩, ૬૧ રન) ફટકારનારા અજિંક્ય રહાણેની પસંદગીકારોએ શા માટે અવગણના કરી તે કોઈને સમજાય તેવી વાત નથી.

• રવીન્દ્ર જાડેજાને ઓસ્ટ્રેલિયા સામે વન ડે શ્રેણીમાં રમાડાયો નહોતો, હવે ટી-૨૦ શ્રેણીમાં પણ તેને બહાર કરી દેવામાં આવ્યો છે.

• શ્રીલંકા પ્રવાસની વન ડે શ્રેણીમાં ટોચના ક્રમમાં ઉપર-નીચે (ક્યારેક ત્રીજા, ચોથા કે પાંચમા નંબર પર) બેટિંગ કરનારા કે. એલ. રાહુલને ટી-૨૦ શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો છે, જોકે ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં તેને મેદાનમાં ઉતારવામાં આવ્યો નહોતો. હવે ટી-૨૦ ટીમમાં ફરીથી તેનું નામ સામેલ કરવામાં આવ્યું છે.

• ફરી એક વાર આક્રમક બેટ્સમેનો યુવરાજસિંહ અને સુરેશ રૈનાની અવગણના કરવામાં આવી છે. આ બધા નિર્ણયો ઘણા ભારતીય ચાહકોના મનમાં સવાલ પેદાન કરી રહ્યા છે.

ટીમ ઇન્ડિયાઃ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત (વાઇસ કેપ્ટન), શિખર, લોકેશ રાહુલ, મનીષ પાંડે, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બૂમરાહ, ભુવનેશ્વર કુમાર, આશિષ નેહરા, અક્ષર પટેલ.

You might also like