ભક્તોની આશા પૂર્ણ કરનાર મા આશાપુરા

આધ્યશક્તિ જગદંબાનાં અનેક સ્વરૂપો છે. ‘આશાપુરા મા’ પણ અંબાજીનું જ સ્વરૂપ છે. ગુજરાતમાં નાગરો અને જાડેજા રજપૂતો દ્વારા દેવીભકિતનો પ્રચાર-પ્રસાર થયો. ધીમે ધીમે દેવી શક્તિની આરાધના સમાજના બધા વર્ણ વર્ગોમાં પ્રસરી.
જાડેજા રાજપૂતો, નાગર બ્રાહ્મણ, મરાઠા, સોની, રાણા ઈત્યાદિ ઘણી જ્ઞાતિઓનાં કુળદેવી મનાયેલ માતા આશાપુરા ગુજરાતનાં વિભિન્ન સ્થળોએ જુદાં જુદાં નામ-રૂપે પૂજાય છે. કચ્છ-ભૂજ, રાજપીપળા, પીપળાવ, નર્મદા તટ, નવસારી, અમદાવાદ, ભાણવડ વગેરે સ્થળોએ આશાપુરા માતાનાં પ્રાચીન મંદિરો છે.
કચ્છમાં આશાપુરાનું પ્રાચીન સ્થાનક ભૂજથી ૯૦ કિ.મી. દૂર લખપત તાલુકામાં આવેલ ‘માતાના મઢ’માં છે. મૂળ મારવાડના દેવચંદ નામના નિ:સંતાન વણિકે, માતાજીની કૃપાથી સંતાનપ્રાપ્તિ થતાં ૧૮૦૦ વર્ષ પહેલાં આ મંદિર બંધાવેલું. કચ્છના જાડેજા રાજવી ખેંગારજી મા આશાપુરીની કૃપાથી રાજા બન્યા હતા; તેથી કચ્છનો રાજવી પરિવાર આશાપુરાને કુળદેવી માને છે. એવો પણ મત છે કે આધ્યશક્તિ અંબિકાએ મહિષાસુરનો વધ કચ્છના ડુંગરમાં કરીને, દેવોની આશા પૂર્ણ કરી હતી, તેથી મા અંબા કચ્છમાં ‘આશાપુરા’ નામે ઓળખાયાં. આશાપુરા માતાની મૂર્તિનાં ચરણ દેખાતાં નથી. માના આદેશ પ્રમાણે મંદિર બાંધનાર દેવચંદ વણિકે છ માસ પછી મંદિરનાં દ્વાર ખોલવાનાં હતાં, પણ એક માસ વહેલાં દ્વાર ખોલ્યાં; તેથી માતાના ચરણ વિનાની અધૂરી મૂર્તિ પ્રગટ થઈ!
પેટલાદ પાસેના પીપળાવ ગામમાં પણ સરોવરના કાંઠે આશાપુરી માનું રળિયામણું મંદિર શોભે છે. હજારો યાત્રાળુઓ અહીં બાધા, માનતા પૂર્ણ કરવા તેમજ પહેલા ખોળાના પુત્રની બાબરી ઊતરાવવા આવે છે. એવી માન્યતા છે કે આશાપુરી મા સૌની આશા પૂર્ણ કરે છે, નિ:સંતાનને ઘેર પારણું બંધાવે છે. દુર્ગાષ્ટમી અને અક્ષયનવમીએ બહેનોના અહીં ભવ્ય મેળા ભરાય છે. માતાજીના પ્રાગટ્ય વિશે લોકકથા છે. સોળમા સૈકામાં નવરાત્રિની દુર્ગાષ્ટમીએ ‘આશા’ અને ‘પુરી’ નામની બે નાગર બહેનો પેટલાદથી પીપળાવ આવી. માતાજીના ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામી છે. બંને બહેનો તેમનાં રૂપ-તેજનું સૌંદર્ય પાથરતી ગરબે ઘૂમી રહી છે. બે સિપાઈઓએ કુદૃષ્ટિ કરીને બંનેનું અપહરણ કરવાનો વિચાર કર્યો. એટલામાં તો બંને બહેનો એકાએક ફૂલોના બે ઢગલાઓમાં ફેરવાઈ ગઈ! માતા આશા-પુરીની ત્યાં ચમત્કારી સ્થાપના થઈ. શિવાજીના સમયમાં પેશવા સરકારે મંદિરનું નિર્માણ કરાવીને ‘આશા’ અને ‘પુરી’ બંને બેનોની પ્રતિમાઓ પધરાવી.
રાજપીપળાનું આશાપુરીધામ આસ્થાનું તીર્થધામ બન્યું છે. એક માહિતી પ્રમાણે, ૨૫૦ વર્ષ પૂર્વે, રાજપીપળા (નાંદોદ)ના દેવીભકત પાઠક-પરિવારનાં દાદીમા ભકિતભાવના પ્રતાપે ‘માતાજી’ તરીકે પંકાયાં. તેમને આવેલ સ્વપ્નના આધારે, ચૈત્રી નવરાત્રિની અષ્ટમીએ ત્યાંની વાવમાં તરવૈયા ઉતાર્યા, પાણી ઊતરી ગયું ને સ્વયંભૂ મા આશાપુરી પ્રતિમા રૂપે પ્રગટ થયાં, વાવ પાસે તેમને પ્રતિષ્ઠિત કર્યા. •

You might also like