દેવપોઢી એકાદશી 

અષાઢ સુદ એકાદશીને દેવપોઢી એકાદશી કહેવાય છે. દશમના દિવસે બપોર પછી કાંઇ ખાવું નહીં. અગિયારશે સવારે વહેલાંં ઊઠી પ્રાતઃકર્મો કર્યા પછી દેવસેવા તથા વિષ્ણુસેવા કરી લેવી. ભગવાન વિષ્ણુ સમક્ષ અગિયારશ કરવાનો સંકલ્પ લેવો. તે વખતે તમને કહેવું કે, ‘હે કમલનયન, મૃત્યુ પછી મારા માટે તથા વર્તમાન જિંદગીમાં સુખ, શાંતિ, ઐશ્વર્ય માટે આજનું આપનું આ એકાદશીનું વ્રત કરું છું. જે આપ સ્વીકારશો. મારા મનના મનોરથ પાર પાડશો.’

આ પછી ભગવાન સમક્ષ ધૂપ દીપ ‌સહિત વિષ્ણુસહસ્રનામનો પાઠ કરવો. તે પછી નજીક આવેલ પીપળે જવું. પીપળે જતાં પહેલાં તાંબાના સારી રીતે માંજેલા તામ્રકળશમાં ચોખ્ખું જળ ભરી તેમાં પીળું પુષ્પ, ચંદન તથા અક્ષત પધરાવવા. તે માત્ર કળશ લઇ પીપળે જઇ ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ સાથે ત્રણ, પાંચ કે સાત જળ પ્રદક્ષિણા કરવી. ત્યાં પણ ધૂપ દીપ પ્રગગટાવવા.

શકય હોય તો ત્યાં પણ શ્રીવિષ્ણુસહસ્રનામ સ્તોત્રના પાઠ કરવો. તે પછી ઘેર આવવું. આખો દિવસ મનમાં ઉપરનો દ્વાદક્ષરી જપ ચાલુ રાખવો. સાંજના ચાર વાગ્યે ભગવાનનાં દ્વાર ખોલી તેમને પગે લાગી ઘરનાં કામ કરવાં. સાંજે ધૂપ દીપ કરી શ્રીવિષ્ણુસહસ્રનામનો પાઠ કરવો. મધ્ય રાત્રિ સુધી જાગરણ કરવું. તે પછી કંબલશયન કે ભૂમિશયન કરવું. બારશ કે તેરશના પ્રદોષ સુધી આ પ્રમાણે વર્તવું જ્યારે પ્રદોષ સમય પૂર્ણ થાય ત્યારે ભૂદેવને સીધું આપી પારણાં કરવાં. આ થઇ એકાદશી કરવાની સાચી રીત.

એકાદશીના વ્રત દરમિયાન માંસ, મદિરા ખાવાં કે પીવાં નહીં. જુગાર રમવો નહીં. પરસ્ત્રીગમન કરવું નહીં. ભગવાનની પૂજા દ્વાક્ષથી કરવી. તેમને પ્રસાદ પણ દ્વાક્ષનો ચડાવવો.

કથાઃ પહેલાના સમયમાં માંધાતા નામનો એક સૂર્યવંશી રાજા રાજય કરતો હતો. તે પ્રજાવત્સલ હતો જેવો રાજા તેવો પ્રજા તે ન્યાયે રાજાની પ્રજા પણ રાજાને ખૂબ ચાહતી હતી. રાજા તથા પ્રજા ખૂબ ધાર્મિક હોઇ રાજ્યમાં કોઇ આપત્તિ આવતી નહીં.

રાજાનાં પૂર્વજન્મનાં પાપ ઉદયમાં આવતાં રાજ્યમાં ત્રણ વરસ સુધી વરસાદ પડ્યો નહીં. ભયંકર દુષ્કાળ પડ્યો. પશુ પંખી પાણી વગર તથા ચારા વગર ટપોટપ મરવા લાગ્યાં. રાજા આ બધું જોઇ પુષ્કળ દુઃખી થઇ ગયો. પ્રજા પણ ભૂખ તરસથી ત્રસ્ત બનવા લાગી. રાજા આ જોઇ ન શકયો. રાજાએ મંત્રીઓને રાજય સોંપ્યું છે. રાજા દુષ્કાળના નિવારણના ઉપાય માટે નજીકના વનમાં ગયો છે. વનમાં તેણે અંગિરા મુનિનો આશ્રમ જોયો. રાજા ત્યાં ગયો. મુનિને પ્રણામ કરી તેણે પોતાની પ્રજાનાં દુઃખની વાત કરી.

મુનિએ રાજાને આશીર્વાદ આપી કહ્યું કે ‘હે રાજન, આ સતયુગ છે. તે સઘળા યુગમાં ઉત્તમ યુગ છે. આ યુગમાં ફક્ત બ્રાહ્મણોને જ તપ કરવાનો અધિકાર છે જયારે ધર્મ પ્રત્યેની તારી નિષ્ઠા જોઇ તારી પ્રજા પણ તપોનિષ્ઠ બની છે. તેથી તારા રાજ્યમાં વૃષ્ટિ થતી નથી. તું આ બધું બંધ કર. તારી પ્રજાને પણ આદેશ આપી પૂજા પાઠ બંધ કરાવ. તો તારા રાજયમાં વરસાદ પડશે.’ રાજાએ કહ્યું કે, ‘હે મહામુનૈ આ બધું મારા માટે શકય નથી. આપ બીજો ઉપાય બતાવો.’ આથી રાજાને મુનિએ દેવપોઢી એકાદશી કરવાનું સૂચવીને કરવાની રીત બતાવી. સંતુષ્ઠ રાજા નગરમાં આવ્યો. દેવપોઢી એકાદશી આવતાં તેણે તથા પ્રજાએ એકાદશી કરતાં જ પુષ્કળ વરસાદ થયો. રાજા, પ્રજા, પશુ, પંખી વરસાદથી ખુશ થયાં. બધાં આનંદથી રહેવા લાગ્યા.•

You might also like