અષાઢ માસનું માહાત્મ્યમ્

અષાઢ માસ વ્રત વિધાન જપ તપ આપે છે. અષાઢ મહિનામાં પ્રકૃતિ પોતાનાં રંગરૂપ બદલી નવાં ક્લેવર ધારણ કરે છે. ગરમી જાય છે. વર્ષા થાય છે. વર્ષા થતાં આપણાં તન મન શાંત થાય છે.
હિંદુ પંચાંગનો નવમો માસ એટલે અષાઢ. સત્તાવીસ નક્ષત્રમાંથી વીસમું નક્ષત્ર એટલે પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. આપણા હિંદુ માસનાં નામ નક્ષત્ર ઉપરથી આવ્યાં છે. કૃત્તિકા ઉપરથી કારતક, મૃગશીર્ષ ઉપરથી માગશર, ચિત્રા ઉપરથી ચૈત્ર, વિશાખા ઉપરથી વૈશાખ, જ્યેષ્ઠા ઉપરથી જેઠ, ઉત્તરાષાઢા, પૂર્વાષાઢા ઉપરથી અષાઢ. શ્રવણ ઉપરથી શ્રાવણ, પૂર્વા ભાદ્રપદ ઉપરથી ભાદરવો તથા અશ્વિની ઉપરથી આસો.

આસો માસ શરૂ થાય એટલે ધર્મ ધ્યાન શરૂ થાય. આ મહિનામાં મા અંબાના તહેવાર આ‍વે. અષાઢ માસમાં અગિયારશ આવે તેને દેવશયની એકાદશી કહેવાય. જે એકાદશી આવતાં ભગવાન વિષ્ણુ બલિરાજાના બોલે બંધાયા હોવાથી પાતાળલોકમાં ચાલ્યા જાય છે. તેથી અા ચાર મહિના ચાતુર્માસ ગણાય છે. ભગવાન પૃથ્વી ઉપર ન હોવાથી શુભ કાર્યો, લગ્ન, સગાઇ વગેેરે કરી શકાતાં નથી.

આ માસ દરમિયાન સ્ત્રીઓ માટે જયા પાર્વતી વ્રત આવે છે. ગુરુ પૂનમ, વ્યાસ પૂનમ, હિંદોલારંભ વગેરે વ્રત, જપ, તપના દિવસો શરૂ થાય છે. વળી પ્રકૃતિ પોતાના પગથી માથાને અષાઢ માસમાં જ પરિવર્તિત કરે છે. ગરમીને વિદાય આપે છે. વરસાદને આવકારે છે. વરસાદ વરસતાં તમામ વનસ્પતિ નવાં રંગ, રૂપ, પત્ર, પુષ્પ ધારણ કરે છે. અષાઢ માસને આદાન માસ કહે છે. આદાન એટલે લેવું.
મહા માસથી અષાઢ માસ સુધી સૂર્યદેવ પૃથ્વી માતા પાસેથી પૃથ્વીનો રસ લે છે. જે રસ શ્રાવણથી પોષ સુધી પરત કરે છે.

અષાઢ માસમાં દરેક મનુષ્યે જે તે મનુષ્ય પાસેથી કાંઇક લેવું. ભાવ રાખવો કે આ લીધેલી વસ્તુ હજારગણી કરી પરત આપવાની છે.

અષાઢ માસ આપણને શીખવાડે છે કે જે આનંદ આપણે લઇએ છીએ તે આનંદ આપણે હજાર ગણો કરીને પાછો આપવાનો છે. કવિ કાલિદાસે પણ પોતાના અદ્ભુત ગ્રંથ મેઘદૂતમાં વિરહી યક્ષના માધ્યમથી મેઘને અનુલક્ષીને કહ્યું છે કે, ‘અષાઢસ્ય પ્રથમ દિવસે…’

અષાઢ સુદ અગિયારશને દેવપોઢી એકાદશી કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ શયન કરે છે. આ શયન ચાર માસનું હોય છે. જે ચાતુર્માસના નામથી ઓળખાય છે. અષાઢ સુદ પૂનમને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે, જેનું બીજું નામ ગુરુ પૂર્ણિમા છે. આ દિવસે ભગવાન વ્યાસનો પ્રાદુર્ભાવ થયો હતો. આજે ગુરુ મહિમા જાણી તેમનું પૂજન અર્ચન કરવાનો દિવસ હોય છે. આપણા ધર્મમાં ગુરુને ભગવાનથી પણ અધિક ગણવામાં આવ્યા છે, જેનો ઉલ્લેખ આપણા ધર્મગ્રંથોમાં જોવા મળે છે. •

You might also like