આશા ભોસલેનાં ગીતોથી દેશની સરહદ ગૂંજી ઊઠશે

નવી દિલ્હીઃ આઝાદીનાં ૭૦ વર્ષના જશ્નને મનાવવામાં મોદી સરકાર કોઈ કસર આ વખતે બાકી રહેવા દેવા માગતી નથી. એટલા માટે આ વખતે દેશ ભક્તિ સાથે બોલિવૂડનો રંગ પણ ભળશે અને આ માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. સરકાર બોલિવૂડના કેટલાક મશહુર કલાકારોના સંપર્કમાં છે કે જેથી સ્વાતંત્ર દિન સમારોહમાં તેમને પણ સામેલ કરી શકાય.

મહાન ગાયિકા આશા ભોસલે અને જાણીતા ગાયક કુમાર સાનુએ એમાં ભાગ લેવા માટે પોતાની સંમતિ આપી દીધી છે. આશા ભોસલે અને કુમાર સાનુ દેશની અલગ અલગ સરહદો પર જઈને લોકો અને જવાનો વચ્ચે દેશભક્તિના ગીતો સંભળાવશે. જોકે આ બંને બોલિવૂડના ગાયકો કંઈ સરહદે અને ક્યા સરહદે પોતાનો કાર્યક્રમ રજૂ કરશે તે હજુ નક્કી થયું નથી.

બોલિવૂડના સ્ટાર્સ ઉપરાંત મોદી સરકાર કેટલાક ક્રિકેટ ખેલાડીઓના પણ સંપર્કમાં છે કે જેથી તેમને પણ આઝાદીની ઉજવણીમાં સામેલ કરી શકાય. મોદી સરકારે આઝાદીનાં ૭૦ વર્ષ પૂરાં થવા પ્રસંગે મોટા પાયે ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. ૯ ઓગસ્ટથી ૨૩ ઓગસ્ટ સુધી યોજાનારા આ સમારોહનું નામ “૭૦ સાલ આઝાદી, યાદ કરો કુરબાની” રાખ્યું છે. ૯ ઓગસ્ટે હિન્દ છોડો આંદોલનનાં ૭૫ વર્ષ થઈ રહ્યાં છે.

માહિતી અને પ્રસારણ વેકૈંયા નાયડુનું કહેવું છે કે સમગ્ર સમારોહની ચાર મંત્રાલયો સાથે મળીને ઉજવણી કરશે.

You might also like