અસારવા-શાહીબાગ વોર્ડમાં ઊભરાતી ગટરોથી નાગરિકો પરેશાન

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા સીમાંકન બાદ કુલ ૪૮ વોર્ડ હોઇ વોર્ડદીઠ ચાર કોર્પોરેટરની પેનલ સ્થાનિક વિસ્તારના નળ, ગટર અને રસ્તા જેવી બુનિયાદી સુવિધાની સમસ્યા ઉકેલવા જવાબદાર ગણાય છે. કોર્પોરેશનમાં એક દાયકાથી વધુ સમયથી ભાજપનું શાસન છે. શહેરના બે ધારાસભ્ય છોડીને અન્ય સઘળા ૧૪ ધારાસભ્ય ભાજપના છે. એક પ્રકારે અમદાવાદ ભાજપનો ગઢ હોવા છતાં આશ્ચર્યજનક રીતે જે તે વોર્ડમાં ઊભરાતી ગટર જેવા સામાન્ય પ્રશ્ન સ્થાનિક ધારાસભ્યને બળાપો ઠાલવવો પડે છે. તાજેતરમાં અસારવા અને શાહીબાગ વોર્ડમાં ઠેકઠેંકાણે ગટરો ઊભરાતી હોઇ પરેશાન થતી પ્રજાની પીડાને વાચા આપવાની અસારવાના ધારાસભ્યને ફરજ પડી હતી.

છેલ્લે મળેલી એમપી-એમએલએ સંકલન સમિતિની બેઠકમાં અસારવાના ભાજપના ધારાસભ્ય રજનીકાંત પટેલ મ્યુનિસિપલ સત્તાવાળાઓથી ભારે રોષે ભરાયા હતા. અસારવા અને શાહીબાગ વોર્ડ પૈકી શાહીબાગ વોર્ડનું કોર્પોરેશનમાં પ્રતિનિધિત્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ કરતા હોવા છતાં તંત્રે સ્થાનિક ફરિયાદોને ઉકેલવામાં નિષ્ક્રિયતા દાખવતા ધારાસભ્ય રજનીકાંત પટેલ ચાલુ બેઠક દરમ્યાન ઊકળી ઊઠ્યા હતા.

શાહીબાગ વોર્ડમાં લાખાજી કુંવરજીની ચાલી, મોહન સિનેમા વિસ્તાર, કાં‌િતલાલની ચાલી, જૂના માધુપુરા, ભીલવાસ, વસંતવિહાર ફલેટ, કાનજીનગરના છાપરા, નરમાવાળી ચાલી, ડ્રીમ પ્લાઝા સોસાયટી, ગોપાલજીની ચાલી, નરેશ મરાઠીની ચાલી વગેરે વિસ્તારોમાં ફરિયાદો હોવા છતાં ઇજનેર વિભાગે કોઇ કામગીરી ન કરતાં ધારાસભ્યે તંત્ર પર પસ્તાળ પાડી હતી.
http://sambhaavnews.com/

You might also like