આસારામના સમર્થકો તોફાને ચડ્યાઃ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો

નવી દિલ્હી: યૌનશોષણ કેસમાં જેલમાં બંધ આસારામની મુકિતની માગણી કરી રહેલા તેમના સમર્થકોએ દિલ્હીમાં પાર્લામેન્ટ હાઉસ પોલીસ સ્ટેશન પર ભારે હંગામો મચાવીને તોડફોડ કરી હતી અને છ ગાડીઓને નુકસાન પહોંચાડ્યું હતું. આસારામ કેટલાંક વર્ષથી એક સગીરા યુવતી પર દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ છે. આસારામના સમર્થકોએ પોલીસ સ્ટેશનની આસપાસનાં કેટલાંય વાહનોને નિશાન બનાવ્યાં હતાં અને પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો.
પોલીસે તોફાનો ચડેલા આસારામના સમર્થકોને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આસારામના સમર્થકો સાથેની અથડામણમાં સાત પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા, જેમને સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આસારામના કેટલાક સમર્થકો આ અથડામણમાં ઘાયલ થયા હતા.
આ અગાઉ ૧૩ મેના રોજ આસારામે એક નિયમિત સુનાવણી બાદ કોર્ટરૂમમાંથી બહાર આવતી વખતે જણાવ્યું હતું કે કાયદો આંધળો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કાયદો આંધળો છે અને તે કોઇને પણ જેલમાં મોકલી શકે છે. એક છોકરીએ કંઇક કહ્યું અને તેના માટે આટલા બધા લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેમને ડઝન જેટલી બીમારી છે અને આ માટે તેમની ખાસ તબીબી તપાસ કરાવવાની જરૂર છે.
આસારામે એવો દાવો કર્યો હતો કે તેમની સ્થિતિ દિન-પ્રતિદિન કથળતી જાય છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે હું તમારી સાથે વાતચીત કરવા માગંું છું, પરંતુ હું બીમાર છું.

You might also like