આસારામને સજાઃ ન્યાયતંત્રએ જનતામાં અદાલત પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બનાવ્યો

આખરે રાજસ્થાનના જોધપુર શહેરમાં ખાસ અદાલતે આસારામને જેલમાં જઈને બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા સંભળાવી! ૨૦૧૩ માં જોધપુર ખાતેના આશ્રમમાં એક સોળ વર્ષની, ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની વતની અને છિન્દવાડામાં આવેલા આસારામના આશ્રમમાં અભ્યાસ કરતી યુવતીને જોધપુર નજીક મનાઈ વિસ્તારમાં આવેલા પોતાના આશ્રમમાં બોલાવી હતી, ૧૫ મી ઓગસ્ટ,૨૦૧૩ ના રોજ તેના પર બળાત્કાર કર્યો હોવાના ગુના બદલ પાંચ વર્ષમાં જ આસારામને સજા મળી ત્યારે એ કેસની નિડરતાપૂર્વક તપાસ કરનારા અજય પાલ લાંબાના મોઢેથી શબ્દો સરી પડ્યા કે, ‘સત્યનો વિજય થયો છે.’આ રીતે ન્યાયતંત્રએ જનતામાં કોર્ટ પરનો વિશ્વાસ વધુ દઢ બનાવ્યો છે.

આસારામ સામેના કેસનો ચુકાદો આવતા અમદાવાદ નજીક મોટેરા આશ્રમમાં એનાથી ઊલટાં દૃશ્યો જોવા મળ્યા હતા. જેમાં આસારામને થયેલી સજા સાંભળીને તેમમના સાધકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા! તેમાં પણ મોટાભાગની મહિલા સાધકો હતી! એટલું જ નહીં ગુજરાતના ભૂતપૂર્વ આઈ.પી.એસ. અધિકારી ડી. જી. વણઝારા તો એમ કહેતાં સંભળાયા હતા કે ‘આસારામે બળાત્કાર કર્યો જ નથી!’ પણ કાયદો કાયદાનું કામ કરે છે, ન્યાયતંત્ર યોગ્ય ન્યાય પણ આપે છે, તેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આસારામના કિસ્સામાં ઊભું થયું. લોકોની ‘ગુરુઘેલછા’ સામે ન્યાયતંત્રએ લાલબત્તી ધરી દીધી છે.

તાજેતરના થોડાં જ વર્ષોમાં આવા બની બેઠેલા કેટલાક આધ્યાત્મિક ગુરુઓના યૌન શોષણ, હત્યા, બળાત્કાર, ભક્તોને લૂંટવા જેવાં કૃત્યોના કારણે પતન થયાં છે. આ કથિત ગુરુઓ, લોકોની શ્રદ્ધાનો ગેરલાભ લેતા હતા. જ્ઞાનચૈતન્ય નામના આવા ધતિંગ ચલાવતા ગુરુએ એક બ્રિટિશ પરિવારને કહ્યું હતું કે, તમારી દીકરી એ મારા પૂર્વજન્મની પત્ની છે! અને પેલાં મા-બાપે દીકરી એને સોંપી દીધી! એ છોકરીને નાસી છૂટવાની તક મળ્યા પછી, જે થયું… અને જ્ઞાનચૈતન્યનું પતન થયું! એવા બીજા ગુરુ પોતાને સ્વામી પ્રેમાનંદ તરીકે ઓળખાવતા એ ૧૯૮૪માં શ્રીલંકાથી ભારતમાં આવ્યા હતા. તિરુચિરાપલ્લીમાં આશ્રમ સ્થાપ્યો અને ૧૯૯૪ માં તેમનું પાપ છાપરે ચઢી પોકારવા લાગ્યું. ૧૩ જેટલી સગીરાઓ પર પ્રેમાનંદ અને તેના છ સાથીદારોએ બળાત્કાર ચાલુ રાખ્યા. એક ગર્ભવતી બની ત્યારે એ ‘ગુરુ’થી સમાજને કાયદાએ મુક્તિ અપાવી. ૨૦૦૯ માં કેરળની કોર્ટે સંતોષ માધવન ઉર્ફે સ્વામી અમૃતા ચૈતન્યને ત્રણ સગીરા પર બળાત્કાર આચરવા બદલ ૧૬ વર્ષ સુધી જેલનાં સળિયાં ગણતો કરી દીધો.

સાત યુવતીઓ પર બળાત્કાર કરનાર મહેંદી કાસીમને એપ્રિલ, ૨૦૧૬માં મુંબઈની કોર્ટે આજીવન કેદ ફટકારી હતી. કોલમના ગંગાનંદ તીર્થપથ નામના બનાવટી ગુરુને તો ભોગ બનેલી યુવતીઓએ જ સજા આપી દીધી હતી. પંજાબના ગુરમીત રામ-રહીમ સિંહનો કિસ્સો તો તાજો જ છે. રોહતકની જેલમાં ગયા વર્ષથી પગનાં તળિયાં તપાવે છે! અને હવે આસારામ!

ડી. જી. વણઝારાના શબ્દોથી આશ્ચર્ય થાય છે. આટલા મોટા ધર્મગુરુ તરીકે સમાજમાં પ્રસ્થાપિત થયેલા આસારામ વિરુદ્ધ પેલી શાહજહાંપુરની યુવતી બળાત્કાર કર્યાની શા માટે ફરિયાદ કરે? અને પેલી સુરતની મહિલાને તેની સામે શું વાંધો પડ્યો હશે? સ્ત્રીઓ શા માટે યૌન શોષણનો જ આરોપ કરે? અને તપાસ કરનારા અજય પાલ લાંબાએ વેઠેલી યાતનાઓ જાણીએ તો રુંવાડા ઊભાં થઈ જાય! ધમકીના સતત ફોન અને ૧૬૦૦થી વધારે ધમકી આપતા પત્રોના કારણે એ પોતાની દીકરી અને પત્નીને ઘરથી બહાર જવાનું બંધ કરી દેવું પડ્યું હતું! અસંખ્ય પુરાવાઓ, પીડિતાનું નિવેદન અને આસારામનો ‘પોટેન્સી ટેસ્ટે’ કેસને ‘વૉટર ટાઈટ’ બનાવ્યો અને તેને સજા ફટકારાઈ. આસારામ વિરુદ્ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફે‌િન્સસ એક્ટ, ૨૦૧૨ અને શિડ્યુઅલ્ડ કાસ્ટ્સ એન્ડ ટ્રાઈબ્સ એક્ટ, ૧૯૮૯ હેઠળ પણ ફરિયાદો નોંધાઈ છે. કેસ દરમ્યાન ત્રણ સાક્ષીની હત્યા થઈ અને કેટલાક પર હુમલો અને ધમકીઓ આપવામાં આવી હતી. આ ચુકાદાથી સમાજમાં આવા કરતૂતો કરનારા કેટલાંક તત્વોમાં થોડી ધાક ઊભી થશે.

You might also like