રાજુ ચાંડક પર ફાયરિંગ થયું તે તમંચો મોટેરાના અાસારામ અાશ્રમમાંથી અપાયો હતો

અમદાવાદ: અાસારામના શાર્પ શૂટર કાર્તિકે વર્ષ 2009માં સાબરમતીમાં આસારામના પૂર્વ સાધક રાજુ ચાંડક ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની કબૂલાત કરી છે. રાજુ ચાંડક ઉપર ફાયરિંગ કેસની તપાસ એસઓજી ક્રાઇમને સોંપવામાં આવી છે. કાર્તિકની પૂછપરછમાં રાજુ ચાંડક ઉપર ફાયરિંગ કરવા માટે મોટેરા ખાતે આવેલા આસારામના આશ્રમમાંથી તેને તમંચો અાપવામાં અાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. એસઓજી ક્રાઇમ તેની ધરપકડ કરશે અને આશ્રમમાં કોણે તેને તમંચો આપ્યો તે મુદ્દે પુછપરછ કરવામાં આવશે ત્યારે આવનારા દિવસોમાં આસારામ આશ્રમના કેટલાક સાધકોની પણ સંડોવણી સામે આવે તેવી શક્યતાઓ છે

જુલાઇ 2008માં આસારામ આશ્રમના ગુરુકુળમાં અભ્યાસ કરતા માસૂમ બાળકો દીપેશ અભિષેક અપમૃત્યુ કેસમાં સાક્ષી અને આસારામના પૂર્વ સાધક રાજુ ચાંડક ઉપર 5 ડિસેમ્બર 2009ના રોજ સાબરમતીમાં ત્રણ અજાણ્યા શખ્સો પોઇન્ટ રેન્જ બ્લેન્કથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને જતા રહ્યા હતા. સાબરમતી પોલીસે ફસ્ટ ગુના હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસ સંખ્યાબંધ સાધકોની પૂછપરછ કરી હતી પરંતુ કોઇ પણ પુરાવો નહીં મળતાં કેસની તપાસ તારીખ 24 એપ્રિલ 2010 ના રોજ તત્કાલીન પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાંચને સોંપી હતી. થોડાક દિવસ પહેલાં આસારામ અને નારાયણ સાંઇ સામેના બળાત્કાર કેસના મહત્વના ત્રણ સાક્ષીની ગોળી મારી હત્યા કરનાર અને ચાર લોકો પર ફાયરિંગ કરીને ખૂનની કોશિશ કરનારા કાર્તિક ઉર્ફે રાજુ દુલાલચંદ હલદર નામના શાર્પ શૂટરની એટીએસે છત્તીસગઢ ખાતે તેના ઘરેથી ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં તેણે રાજકોટ ખાતે અમૃત પ્રજાપતિ, હરિયાણામાં ક્રિપાલસિંહ અને આસારામના રસોઇયા અખિલ ગુપ્તાની મુજ્જફરનગર ખાતે પોતે જ ગોળી મારી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ સિવાય રાજુ ચાંડક અને મહેન્દ્ર ચાવલા પર હુમલો કર્યો હોવાની કબૂલાત કરી હતી.

રાજુ ચાંડક ઉપર ફાયરિંગ કેસની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે એસઓજી ક્રાઇમ કાર્તિકની ધરપકડ કરીને તપાસ શરૂ કરશે. ઉલ્લેખનીય છે રાજુ ચાંડક ઉપર ફાયરિંગ કરવા માટે કાર્તિકને મોટેરા ખાતે આવેલા આસારામના આશ્રમમાંથી કોઈઅે તમંચો અાપ્યો હતો. અાશ્રમમાંથી તમંચો લઈને રાજુ ચાંડકને મારવા માટે નીકળ્યો હતો. કાર્તિકે રાજુ ચાંડક ઉપર ફાયરિંગ કરીને તમંચાે સાબરમતી નદીમાં ફેંકી દીધો હતો.

You might also like