લાલા ઠાકોર ઉપર થયેલા ફાયરિંગ કેસમાં આસારામને ક્લીનચિટ

અમદાવાદ: બે વર્ષ અગાઉ આસારામ આશ્રમની જમીન મિલકતના વિવાદમાં ચાંદખેડામાં રહેતા લાલાભાઇ ઠાકોર પર થયેલા ફાયરિંગ કેસમાં ક્રાઇમ બ્રાંચે આસારામના શાર્પશૂટર કાર્તિક હલદર, સાધક ચંદ્રશેખર પિલ્લાઇ અને વોન્ટેડ આરોપી સુનીલ પાંડે વિરુદ્ધ ગાંધીનગર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. આ કેસમાં ક્રાઇમ બ્રાંચે આસારામને ક્લીનચિટ આપી છે. બળાત્કાર કેસમાં આસારામ અને નારાયણ સાંઇની ધરપકડ બાદ આસારામના વિરોધીઓને પતાવવા માટે કાર્તિકે પ્લાન ઘડ્યો હતો. જેમાં સૌ પહેલાં લાલા ઠાકોર પર ફાયરિંગ કર્યું હતું.

આસારામ અને નારાયણ સાંઇ સામેના બળાત્કાર કેસના મહત્વના ત્રણ સાક્ષીઓની ગોળી મારી હત્યા કરનાર અને ચાર લોકો પર ફાયરિંગ કરીને ખૂનની કોશિશ કરનારા કાર્તિક ઉર્ફે રાજુ દુલાલચંદ હલદર નામના શાર્પ શૂટરની એટીએસએ છત્તીસગઢ ખાતે તેના ઘરેથી ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં તેણે રાજકોટ ખાતે અમૃત પ્રજાપતિ, હરિયાણામાં ક્રિપાલસિંહ અને આસારામના રસોઇયા અખિલ ગુપ્તાની મુઝ્ઝફરનગર ખાતે પોતે જ ગોળી મારી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ સિવાય રાજુ ચાંડક અને મહેન્દ્ર ચાવલા પર અને લાલા ઠાકોર ઉપર હુમલો કર્યો હોવાની કબૂલાત કરી હતી.

મોટેરા ખાતે આવેલા આસારામના આશ્રમની જમીન વિવાદમાં સાધક કાર્તિક બે વર્ષ પહેલાં ચાંદખેડામાં રહેતા લાલાભાઇ ઠાકોર પર મોટેરામાં ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં ક્રાઇમ બ્રાંચે કાર્તિકની ધરપકડ કરી હતી. કાર્તિકની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે જ્યારે આસારામની બળાત્કાર કેસમાં ધરપકડ થઇ ત્યારે આસારામના વિરોધીઓની હત્યા કરાવવા માટેનું નક્કી કરી લીધું હતું. જેમાં સૌ પહેલાં લાલા ઠાકોરને પતાવવાનો પ્લાન હતો કારણકે છેલ્લાં ઘણાં વર્ષોથી આસારામ આશ્રમની જમીનના મુદ્દે લાલા ઠાકોર મુશ્કેલીઓ ઊભી કરતો હતો.

You might also like