પોલીસને ફોડવા કે.ડી. પટેલે અાસારામ અાશ્રમમાંથી રૂ.૫૦ લાખ મોકલ્યા હતા

અમદાવાદ: આસારામના મુખ્ય વહીવટદાર કે.ડી. પટેલની એસઓજી ક્રાઇમે આસારામના પૂર્વ સહાયક રાજુ ચાંડક પર કરાયેલા ફાયરિંગના કેસમાં ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. આરોપી કે.ડી. પટેલની પૂછપરછમાં બહાર આવ્યું છે કે વર્ષ ૨૦૧૩માં આસારામના પુત્ર નારાયણ સાંઇ પર થયેલા બળાત્કારના કેસમાં પોલીસને ભીનું સંકેલવા રૂ. ૧૩ કરોડની લાંચ પૈકી રૂ. પાંચ કરોડ પ્રથમ તબક્કામાં બીએસઆઇને આપ્યા હતા, જેમાં રૂ. ૫૦ લાખ કે.ડી. પટેલે મોટેરા આશ્રમમાંથી મોકલ્યા હતા.

આસારામ અને નારાયણ સાંઇને કેસમાંથી બચાવવા માટે કે.ડી. પટેલ તમામ મુખ્ય વહીવટ કરતો હોવાનું બહાર આવ્યું છે. એસઓજી ક્રાઇમ બ્રાંચનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ રાજુ ચાંડક દ્વારા આસારામના દુષ્કર્મ વિરુદ્ધ સ્ટિંગ ઓપરેશન કરાતાં અને ડી.કે. ત્રિવેદી પંચ સમક્ષ આ સ્ટિંગ ઓપરેશનની સીડી મુકાતાં આસારામ ભડકી ઊઠ્યા હતા અને રાજુ ચાંડક નડતો હોવાથી કે.ડી. પટેલને આસારામે રાજુ ચાંડકને મારવાનું જણાવ્યું હતું. કે.ડી. પટેલ આસારામનાં કાળાં કામોનો વહીવટદાર હોઇ સુરતમાં વર્ષ ૨૦૧૩ આસારામના પુત્ર નારાયણ સાંઇ પર લાગેલા બળાત્કારના કેસમાં જ્યારે પોલીસે આશ્રમોમાંથી અમુક વાંધાજનક દસ્તાવેજો કબજે કર્યા હતા.

આ દસ્તાવેજો અને પોલીસને કેસમાં ભીનું સંકેલવા રૂ. ૧૩ કરોડની લાંચ આપવામાં આવી હતી. આ લાંચ આપવામાં પ્રથમ તબક્કામાં રૂ. પાંચ કરોડ આપવામાં આવ્યા હતા, જેમાં રૂ. ૫૦ લાખ મોટેરા આશ્રમમાંથી કે.ડી. પટેલે મોકલ્યા હોવાનું બહાર આવ્યું છે. આ લાંચ કેસમાં સુરત પોલીસે અડાજણના બિલ્ડર સહિત ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ કુંભાણીની ધરપકડ કરી હતી. રૂ. ૧૩ કરોડની લાંચ કેસમાં કે.ડી. પટેલની પણ સુરત પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા અને આ કેસમાં કે.ડી. પટેલ એકાદ વર્ષ જેટલું સુરત જેલમાં પણ રહી આવ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

આસારામનાં તમામ કાળાં કામોના વહીવટદાર કે.ડી. પટેલ હોઇ તેણે અનેક જગ્યાએ પૈસાનો વહીવટ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એસઓજી ક્રાઇમ દ્વારા હાલ આરોપી કે.ડી. પટેલની પૂછપરછ કરાઇ રહી છે. પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

You might also like