સ્ટીલમાં ભાવ વધારો થતા હવે બાંધકામ પણ મોંઘું બનશે

અમદાવાદ: મંદીનો સામનો કરતા રિયલ એસ્ટેટ ક્ષેત્રને હવે સ્ટીલના ભાવ વધારાના કારણે વધારાની મુશ્કેલીનો સામનો કરવો પડશે. સ્ટીલના ભાવ વધવાના કારણે બાંધકામના ભાવ વધવાની શક્યતા છે. છેલ્લા સાત મહિના દરમ્યાન સ્ટીલના ભાવમાં સતત વધારો થતો રહ્યો છે.

કિલોદીઠ રૂ.૧પનો વધારો થયો છે. એક સ્કવેરફૂટ બાંધકામમાં ચારથી ૧૦ કિલો અને એવરેજ ૭ કિલો સ્ટીલ વપરાય છે, જેના કારણે એક હજાર સ્કવેરફૂટના મકાનમાં સીધો ૭પ હજારનો વધારો થવાની શક્યતા છે. આવનારા સમયમાં સ્ટીલના ભાવ લોકોના ઘરના ઘરના સ્વપ્નને અસર કરી શકે છે.

સ્ટીલના વેપારીઓનું કહેવું છે કે દિવાળી પછી અત્યાર સુધીમાં સ્ટીલના ભાવ ૪૦ ટકા સુધી વધ્યા છે. ૮ એમએમથી લઇને ૩ર એમએમ સુધી તમામના ભાવ વધ્યા છે.

દિવાળી સમયે જે ભાવ ૩૭,૮૦૦ ટનદીઠ હતો તે વધી હાલમાં રૂ.પર,૮૦૦ થયો છે, જેેના કારણે સરકારી પ્રોજેકટ્સ મેટ્રો રેલ, ઓવરબ્રિજ સહિત ખાનગી બાંધકામોના પાંચ હજાર જેટલા પ્રોજેકટને અસર થશે. સરકારે પણ શહેરના ૧૦૦૦ કરોડથી વધુ વિકાસકામો માટે બજેટ વધારવું પડશે.

જીએસટીની અસર સ્ટીલના ભાવ વધારા માટે જવાબદાર ગણાઇ નથી, કેમ કે સ્ટીલ પર ૧ર.પ૦ ટકા એકસાઇઝ અને પ ટકા વેટ લાગતો હતો, જે કુલ ૧૭.પ૦ ટકા હતો. હાલમાં ૧૮ ટકા જીએસટી લાગતો હોઇને અડધા ટકાનો જ ફરક રહે છે.

રાજ્યભરમાં ૧ લાખ ટન સ્ટીલ દર મહિને વપરાય છે, જેમાં ર૦ થી રપ ટન સ્ટીલ એકમાત્ર અમદાવાદ શહેરમાં જ દર મહિને વપરાય છે. આ અંગે રિયલ એસ્ટેટ ડેવલપર વિજયભાઇ શાહે જણાવ્યું કે સ્ટીલના ભાવ વધારાની અસર બિલ્ડર પર પડશે. જે બિલ્ડરે જે સ્કીમ માટે કમિટમેન્ટ કરી લીધાં છે તેમણે નુકસાન ભોગવવું પડશે

You might also like