અરવિંદ મિલના કર્મચારીના અાપઘાતનું રહસ્ય ચિઠ્ઠી મળતાં બે દિવસ બાદ ખૂલ્યું

અમદાવાદ: ‘તમારી હિટલરશાહીથી કંટાળી ગયો છું’ ‘બે વાર અરવિંદ મિલના ધાબા પરથી, રિંગ રોડ પર કેનાલમાં કૂદીને, બાપુનગર જનરલ હોસ્પિટલના ધાબા પરથી અને ઘર બે વખત ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયો છું, હવે આ છેલ્લો ઉપાય છે’ આ શબ્દો છે અરવિંદ મિલમાં ૧૯ વર્ષથી નોકરી કરતા કર્મચારીના. આ કર્મચારીએ તેમના જ વિભાગના અધિકારીના ત્રાસથી ચાર દિવસ અગાઉ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘરમાંથી સ્યુસાઈડ નોટ મળી આવતાં મૃતકની પત્નીએ અધિકારી મહેશ દરજી સામે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં આપઘાતના દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ નરોડા રોડ પર અશોક મિલ પાસે ભૂમિપાર્ક સોસાયટીમાં હસમુખભાઈ તિરગર તેમના પરિવાર સાથે રહેતા હતા. તેઓ નરોડા રોડ પર આવેલી અરવિંદ મિલના ફોલ્ડિંગ ખાતામાં છેલ્લાં ૧૯ વર્ષથી નોકરી કરતા હતા. ગત ગુરુવારે હસમુખભાઈએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આગળના દિવસે તેમની પુત્રી હોસ્ટેલમાં ન પહોંચતાં તેની ચિંતામાં તેઓએ આપઘાત કર્યો હોવાનું પરિવારને લાગ્યું હતું. પોલીસમાં પણ આ જ નિવેદન લખાવ્યું હતું.

બે દિવસ બાદ તેમનાં પત્ની અરુણાબહેને તિજોરીમાં ડાયરી જોતાં મિ. મહેશભાઈ દરજી સાહેબ, નમસ્કાર ડે. AMP INSP જય ભારત સાથે જણાવવાનું કે આપ સાહેબશ્રીના ખાતામાં ફોલ્ડર તરીકે કારીગરીમાં ૧૯ વર્ષથી કાયમી તરીકે નોકરી કરું છું, પરંતુ ‘તમારી હિટલરશાહીથી કંટાળી ગયો છું’ તેવું લખાણ ૧૭ સપ્ટેમ્બરના રોજનું હસમુખભાઈની સહી સાથેનું મળી આવ્યું હતું. ડાયરીમાંથી અન્ય બે પેજ પણ મળ્યાં હતાં, જેમાં એક પેજમાં લખ્યું હતું કે ર૪ સપ્ટેમ્બરના રોજ બે વાર અરવિંદ મિલના ધાબા પરથી, રિંગ રોડ પર કેનાલમાં કૂદીને, બાપુનગર જનરલ હોસ્પિટલના ધાબા પરથી અને ઘર બે વખત ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયો છું, હવે આ છેલ્લો ઉપાય છે’ તેવું લખ્યું હતું. બીજા પેજમાં મે. તપાશનીસ અધિકારી, પોલીસ ડિપાર્ટમેન્ટ, ગુજરાત રાજ્ય ‘જે પગલું ભરું છું તેની જવાબદારી ફક્ત ને ફક્ત હું જે જગ્યાએ નોકરી કરું છું તે અરવિંદ મિલના AML ડેનિમ ફોલ્ડિંગ ખાતાના અધિકારી સાહેબશ્રી મહેશ દરજીની છે’ અને પેજના પાછળના ભાગે ‘પરિવારને સંબોધીને લખાણ લખ્યું હતું. અધિકારી મહેશ દરજી દ્વારા હસમુખભાઈને નોકરીમાં માનસિક હેરાનગતિ અને તેમની સાથે હિટલરશાહી જેવું વર્તન કરી માનસિક ત્રાસ અપાતાં આપઘાત કર્યો હોવાની ફરિયાદ તેમની પત્ની અરુણાબહેને આપતાં શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like