કેજરીવાલે દિલ્હીની પ્રજાનો આભાર માન્યો

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ઓડ-ઈવન ફોર્મ્યુલાના અમલ માટે દિલ્હીની જનતાનો આભાર માનતા નાગરિકોને આ ફોર્મ્યુલાને સ્વૈચ્છિકપણે અપનાવવા અપીલ કરી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે, આ પ્રયોગથી દિલ્હીમાં પ્રદૂષણ અને ટ્રાફિકની ગીચતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

દરમ્યાનમાં પ્રદૂષણ ધટાડવાના હેતુસર દિલ્હી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઓડ-ઈવન યોજના (એકીબેકી યોજના)ને અટકાવવાનો ઈન્કાર કરીને સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું છે કે લોકો પ્રદૂષણને કારણે મરી રહ્યાં છે.

પ્રદૂષણને ધટાડવા માટે સરકાર અસરકારક પગલાંઓ ભરી રહી છે અને તેથી લોકોએ તેમાં સહકાર આપવો જ જોઈએ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ટી એસ ઠાકુરેએવું અવલોકન કર્યું કે મારી સહિતના ટોચના જજો કાર પુલિંગમાં સહકાર આપી રહ્યાં છે. લોકો પ્રદૂષણને કારણે મરી રહ્યાં છે તેથી લોકોએ આ યોજનામાં સરકારનો સહયોગ કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની આપ સરકારે શરૂઆતમાં ૧૫ દિવસના સમયગાળા માટે ઓડ-ઈવન યોજના શરૂ કરી છે જેમાં એકી તારીખે એકી નંબરવાળી જ ગાડીઓ રોડ પર ચલાવવામાં આવશે જયારે બેકી તારીખે બેકી નંબરોની ગાડીઓને મંજૂરી આપવામાં આવશે.

આ સપ્તાહની શરૂઆતમાં દિલ્હી હાઈકોર્ટે પણ આ યોજના પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કરીને પંદર દિવસના ટ્રાયલ સમયગાળાનું સમર્થન કર્યું હતું. જોકે આ યોજનાના વિરોધીઓ એવું જણાવી રહ્યાં છે કે દિલ્લી પાસે જાહેર પરિવહનનું કોઈ અસરકારક તંત્ર ન હોવાથી આવી યોજના કારગર સાબિત થવાની નથી.

You might also like