કેજરીવાલ હવે થોડો સમય બોલી નહિ શકેઃ જીભની સર્જરી કરાવી

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનું તાજેતરમાં બેંગલુુરુની નારાયણ હેલ્થ સિટીમાં ગળાનું ઓપરેશન કરવામાં આવતાં તેઓ હવે થોડો સમય બોલી નહિ શકે, કારણ આ ઓપરેશન દરમિયાન તેમની જીભની પણ સર્જરી કરવી પડી છે. તેમની જીભ પર સોજો આવી જતાં આવી સર્જરી કરવાની ફરજ પડી છે. તેમના ડોક્ટરના જણાવ્યા અનુસાર કેજરીવાલની જીભ થોડી વધી (સોજો આવી ગયો હતો) ગઈ હોવાથી અને તેમને મોટા ભાગે કફની સમસ્યા રહેતી હોવાથી તેમના ગળા અને મોઢાના ભાગમાં તેમને પરેશાની રહેતી હતી.

ડોક્ટરોએ વધુમાં જણાવ્યું કે તેઓ છેલ્લાં 40 વર્ષથી કફથી પરેશાન છે. તેથી ગત મંગળવારે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં તેમના ગળા અને મોઢાના ઉપરના ભાગમાં થોડી સર્જરી કરવામાં આવી છે. તેમને જ્યારે પણ એલર્જી થાય અથવા કોઈ કારણસર તેમનું નાક બંધ થઈ જાય છે ત્યારે તેમના મોઢામાંથી તેઓ શ્વાસ લેતા હોવાના કારણે તેમને થોડી માત્રામાં થૂંક આવતાં તેમના એર પેસેજમાં જમા થઈ જાય છે અને તે છેવટે કફમાં ફેરવાઈ જાય છે. તેમનું ઓપરેશન નારાયણ હેલ્થ સિટીના ડોકટર પોલ સી સાલિન્સે કર્યું હતું. તેમના કફની સમસ્યાને તપાસ્યા બાદ ડોક્ટર એવા તારણ પર આવ્યા હતા કે તેમનું ઓપરેશન કરવાનું અતિઆવશ્યક છે.

આ અંગે હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ યાદીમાં જણાવવામાં આવ્યું છે કે કેજરીવાલના મોઢામાં જીભ માટે બહુ ઓછી જગ્યા હતી. તાળવું અને જીભ તેના સામાન્ય આકાર કરતાં થોડી મોટી થઈ ગઈ હતી, જેના કારણે તેમને શ્વાસ લેવામાં પરેશાની થતી હતી. મોઢાની અંદર ઉપરના ભાગે એક નાની માંસપેશી આવેલી હોય છે. આ ઓપરેશન દ્વારા અમે તેના આકારમાં પણ ફેરફાર કર્યો છે.

You might also like