કેજરીવાલ ટૂૂંકમાં પોતાના બે પ્રધાનોને પાણિચું પકડાવશે

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વર્તમાન બજેટ સત્રની સમાપ્તિ પહેલાં પોતાની કેબિનેટમાં મોટા ફેરફાર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલ પોતાની કેબિનેટના બે પ્રધાનોને રૂખસદ આપી શકે છે અને કેટલાક પ્રધાનોના ખાતામાં ફેરફાર પણ કરી શકે છે. જોકે નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસો‌િદયાની જવાબદારીમાં કોઇ ફેરફાર થશે નહીં.

આમ આદમી પાર્ટી સરકારમાં થનારા આ ફેરફારની અસર વિધાનસભાના સ્પીકર અને નાયબ સ્પીકર પર પણ થશે. ડેપ્યુટી સ્પીકર વંદનાકુમારીને સ્પીકર બનાવવાનું નકકી છે અને વર્તમાન સ્પીકર રામનિવાસ ગોયલને કેબિનેટ પ્રધાનપદ આપવાની હિલચાલ લાવી રહી છે.

આમ આદમી પાર્ટીએ છેલ્લા એક વર્ષમાં પોતાના વરિષ્ઠ નેતાઓ અને પ્રધાનોની કામગીરીની સમીક્ષા કરી છે અને જણાયું છે કે કેટલાક નેતાઓની કામગીરી જોઇએ તેટલી અસરકારક નથી. આપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે કે આ સંજોગોમાં મુખ્યપ્રધાન કેજરીવાલ કેબિનેટની પુનઃ રચનાનો ટૂંક સમયમાં નિર્ણય લઇ શકે છે. જે પ્રધાનોની હકાલપટ્ટી થનાર છે તેમાં મહિલા અને બાળ વિકાસ પ્રધાન સંદીપકુમારનો સમાવેશ થાય છે. તેમના પર તાજેતરમાં શાળાના એક આચાર્યને હેરાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

You might also like