કેજરીવાલ આજે કમલ હસનની મુલાકાત લેશે

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ચેન્નઈની મુલાકાત લેવાના છે જેમાં તેઓ જાણીતા અભિનેતા કમલ હસનની મુલાકાત લેવાના હોવાથી લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી હવે તામિલનાડુમાં પણ પગપેસારો કરવા તરફ આગળ વધી રહી છે. આજે કેજરીવાલ તામિલનાડુમાં તેમની પાર્ટીની રણનીતિની જાહેરાત કરે તેવી શક્યતા છે.તેમજ આ બંને નેતા વચ્ચે નવી પાર્ટીની રચના અંગે પણ વિચારણા થાય તેવી શક્યતા છે.

દરમિયાન દિલ્હીના મુખ્યપ્રધાનના કાર્યાલયના એક અધિકારીએ કેજરીવાલની આ યાત્રા અંગે જણાવ્યું હતું કે આ તેમની સત્તાવાર યાત્રા છે. એક દિવસની મુલાકાત દરમિયાન તેઓ ચેન્નઈ ખાતેની તામિલનાડુ સરકારના વિશ્વસ્તરીય કૌશલ વિકાસ કેન્દ્રની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ જાણીતા અભિનેતા કમલ હસનની પણ મુલાકાત લેવાના છે. તે વાતને તેમણે સમર્થન આપ્યું છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ તેમની આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીની તામિલનાડુમાં હવે પછીની રણનીતિ અંગે કમલ હાસન સાથે ચર્ચા વિચારણા કરી પાર્ટીની ભાવિ રણનીતિ ઘડશે. જોકે કમલ હસન આ અગાઉ ડાબેરી મોરચાના નેતા સાથે ચર્ચા કરી ચુક્યા છે. ત્યારે તેઓ કયા માર્ગ પર જશે તે હજુ નક્કી નથી.

બીજી તરફ કેજરીવાલ અને કમલ હસન વચ્ચેની આ આકસ્મિક મુલાકાત ગોઠવવા પાછળ આમ આદમી પાર્ટીના નેતા આશુતોષની મોટી ભૂમિકા હોવાનું માનવામા આવે છે. આ ઉપરાંત એવી પણ મહત્વની છેકે તાજેતરમાં તામિલનાડુમાં કિસાનોના મુદે આમ આદમી પાર્ટીએ રાજ્યમાં ચાલેલા આંદોલનમાં પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે રીતે જોતા હવે આમ આદમી પાર્ટી આ રાજ્યમાં પગપેસારો કરવા માગતી હોય તેમ લાગે છે.

You might also like