અમદાવાદ શહેરમાં કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર વોર

અમદાવાદ: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આવતી કાલથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે આવતી કાલે તેઓ સાંજે ૬ કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન કરશે તે પૂર્વ સુરતની જેમ જ શહેરમાં કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લાગ્યાં છે. યુવા આઝાદી સંગઠન દ્વારા લગાવવામાં આવેલાં પોસ્ટરમાં કેજરીવાલને જુમલેબાજ ગણાવાયા છે. સાથે સાથે આવતી કાલે ૧૦૦થીવધુ યુવા આઝાદી કાર્યકરો એરપોર્ટ ખાતે કેજરીવાલને ૧૦ પ્રશ્નોના જવાબ આપવા સાથેનું એક આવેદનપત્ર પણ આપી ઘેરાવ કરશે.

અમદાવાદના નવરંગપુરા સહિત એસ.જી. હાઇવે અને બાપુનગરની આસપાસના વિસ્તારોમાં કેજરીવાલ વિરુદ્ધ માત્ર પોસ્ટર જ નહીં બેનરો પણ લાગવાનાં શરૂ થઇ ચૂક્યાં છે. આ અંગે યુવા આઝાદીના અમદાવાદના કન્વીનર મનીશ બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે અમે કેજરીવાલને ૧૦ પ્રશ્નો પૂછયા છે. જે બેનરમાં પણ લખીશું.

આ અંગે અમદાવાદના આપના પ્રવક્તા હર્ષિલ નાયકે જણાવ્યું હતું કે ભાજપ ડાયરેકલી વિરોધ નથી કરી શકતો જે થર્ડ પાર્ટી પાસે આવાં ગતકડાં કરાવે છે. કેજરીવાલનો ગુજરાત કાર્યક્રમ આવતી કાલે સાંજે ૬.૦૦ કલાકે એરપોર્ટ આગમનથી શરૂ થશે. ત્યાર બાદ તેઓ મહેસાણા જવા રવાના થશે. ત્યાં પાટીદાર પરિવારોની મુલાકાત લેશે અને રાત્રી રોકાણ પણ કરશે. બીજા દિવસે ૧૦.૦૦ વાગે કામ્બલી ગામ ખાતે પાટીદાર પરિવારોને મળશે અને ત્યારબાદ ઉમિયા માતા-ઊંઝા ખાતે દર્શન કરી અમદાવાદ આવશે. ૩.૩૦ કલાકે તેઓ પૂર્વમાં શ્રેયાંગના પરિવાર સહિત અન્ય બે પરિવારોને મળીને વડોદરા જવા રવાના થશે. રાત્રી રોકાણ કરશે અને ૧૬મી સુરત યોગી ચોક ખાતે જાહેર સભાને સંબોધન કરી દિલ્હી જવા રવાના થશે.

You might also like