આજથી અરવિંદ કેજરીવાલ પંજાબના પાંચ દિવસના પ્રવાસે

ચંડીગઢ: એક બાજુ દિલ્હીમાં આજે રેલવે પ્રધાન સુરેશ પ્રભુ પોતાનું બીજું રેલ બજેટ રજૂ કરશે અને બીજી બાજુ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આ દરમિયાન પોતાના પાંચ િદવસના પ્રવાસ માટે પંજાબ પહોંચી જશે. કેજરીવાલનો હેતુ પંજાબમાં આમ આદમી પાર્ટી મજબૂત કરવાનો છે. દિલ્હીના મુખ્યપ્રધાનના પંજાબ પ્રવાસ ઉર્ફે પંજાબના મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલે તેમને માૈસમી પક્ષી તરીકે ગણાવીને કેજરીવાલ સામે નિશાન તાક્યું હતું.

પોતાના પાંચ દિવસના પંજાબ પ્રવાસ દરમિયાન કેજરીવાલ ખેડૂતો અને વેપારીઓને મળશે. આમ આદમી પાર્ટીના પ્રવકતાએ જણાવ્યું છે કે કેજરીવાલ પાંચ દિવસમાં માલવા, માઝા અને દોઆબ સહિત રાજ્યના વધુને વધુ વિસ્તારોમાં જવાનો પ્રયાસ કરશે. કેજરીવાલ પોતાના પંજાબ પ્રવાસની શરૂઆત સંગરૂર અને ભટિંડાથી કરશે. કેજરીવાલના પંજાબ પ્રવાસ પૂર્વે મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલે જણાવ્યું હતું કે ચૂંટણીની માૈસમમાં ઘણાં બધાં માૈસમી પક્ષીઓ રાજ્યનો પ્રવાસ કરશે, પરંતુ તેનાથી ભાગ્યે જ કોઈ ફેર પડશે. તેમણે જણાવ્યું હતું કે શિરોમણિ અકાલી દળ અને ભાજપનું ગઠબંધન ૨૦૧૭માં સતત ત્રીજી વાર વિજયી થઈને સરકાર રચશે.

કેજરીવાલ ૨૬ ફેબ્રુઆરીના રોજ ફિરોઝપુર અને ફરિદકોટ જિલ્લાનો પ્રવાસ કરશે. જ્યારે ૨૭મી ફેબ્રુઆરીના રોજ ખડૂરસાહિબ, ગુરદાસપુર અને અમૃતસર જિલ્લાની મુલાકાત લેશે. ૨૮મી ફેબ્રુઆરીએ હોશિયારપુર અને જલંધર િજલ્લાનો પ્રવાસ કરશે અને ૨૯મી ફેબ્રુઆરીએ લુધિયાણા, ફતેહગઢ સાહિબ અને પટિયાલા જશે. કેજરીવાલ આત્મહત્યા કરનાર કિસાનોના પરિવારોને મળશે અને સમાજના વિવિધ લોકો સાથે વાતચીત કરશે.

You might also like