કેજરીવાલની નજર હવે ગુજરાત પરઃ વિધાનસભાની તમામ બેઠકો પર ‘આપ’ લડશે

અમદાવાદ: આમ આદમી પાર્ટી (આપ) ૨૦૧૭માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે એવી જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ‘આપ’ની ટોચની નેતાગીરીએ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ‘આપ’ના નેતૃત્વએ એવો નિર્ણય કર્યો છે કે પક્ષ ગુજરાતની તમામ ૧૮૨ બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખશે.

આ સંદર્ભમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને નેતા અરવિંદ કેજરીવાલ ૯-૧૦ જુલાઈના રોજ ગુજરાત આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ૯ જુલાઈના રોજ ગુજરાતના સોમનાથ મંદિરથી પ્રચાર અભિયાનના શ્રી ગણેશ કરશે. ગુજરાતની મુલાકાત દરમિયાન કેજરીવાલ ૧૦ જુલાઈએ ગુજરાતના અલગ અલગ સામાજિક સંગઠનો સાથે પણ મુલાકાત કરશે અને આ દરમિયાન તેઓ ગુજરાતમાંથી ચૂંટણી લડવાની વિધિવત જાહેરાત કરશે.

વાસ્તવમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડવાનો નિર્ણય પહેલેથી જ કરી ચૂકી છે, પરંતુ તે પંજાબ અને ગોવાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના દેખાવનું મૂલ્યાંકન કર્યા બાદ ગુજરાત અંગે નિર્ણય લેવા ઈચ્છતી હતી. હવે આમ આદમી પાર્ટીની ટોચની નેતાગીરીને એવું લાગી રહ્યું છે કે ચૂંટણી લડવા અને જીતવા માટે તેમજ તેના પ્રચાર અભિયાનમાં ઘણો સમય લાગશે અને તેથી આમ આદમી પાર્ટીએ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા માટે જેમ બને તેમ જલદી પ્રચાર અભિયાન શરૂ કરી દેવાનો નિર્ણય કર્યો છે અને તેના ભાગરૂપે કેજરીવાલ સોમનાથથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના પ્રચાર અભિયાનની શરૂઆત કરશે.

You might also like