પોલીસ સરકારની શેહમાં આવ્યા વિના સ્વતંત્ર રીતે ફરજ બજાવે

અમદાવાદ: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે સવારે રાજકોટ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં પોલીસ તંત્રને સ્વતંત્ર રીતે ફરજ બજાવવાની અપીલ કરી હતી.

ગઇ કાલે સવારે ઉનાકાંડના મામલે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલ આજે સવારે રાજકોટથી દિલ્હી પરત જવા રવાના થયા હતા. રાજકોટ ખાતે મીડિયા સાથેના ટૂંકા સંબોધનમાં તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, દલિતો પર ભાજપ અને શિવસેનાના ગુંડાઓએ અત્યાચાર કર્યો. પોલીસ સ્ટેશનની અંદર દલિતોને ફટકાર્યા પરંતુ ભાજપના ગુંડા હોઇ રાજ્યની ભાજપ સરકારના કારણે પોલીસ નિષ્ક્રિય રહી. જ્યારે દલિતોએ આંદોલન કર્યું તો સરકારના ઇશારે પોલીસે લાકડીઓ વરસાવી. દલિત યુવકો પર ખોટા કેસ કરીને તેમને જેલમાં ધકેલ્યા.

પાટીદાર આંદોલન વખતે પણ રાજ્ય સરકારે દમનનીતિ અપનાવી હતી. જ્યારે પાટીદારો શાંતિપૂર્ણ આંદોલન કરતા હતા તે વખતે સરકારના આદેશથી પોલીસે દંડાવાળી કરી, ઘરોમાં ઘૂસીને મહિલાઓ સાથે મારઝૂડ કરી, પાટીદાર યુવકો પર ખોટા કેસ કર્યા. આજે ર૦૦૦ પાટીદાર યુવકો જેલમાં બંધ છે. રાજ્યના તમામ સમાજ અને વર્ગના લોકો હાલની સરકારથી ભયભીત છે.

ઉનાકાંડના આરોપીઓનો આત્મા પણ કંપી ઊઠે તેવી તેમને સજા કરવાની માગણીનો પુનરોચ્ચાર કરતા અરવિંદ કેજરીવાલે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમ છતાં મને લાગતું નથી સરકાર તેવું કરશે અને આનાથી એવું પણ પુરવાર થશે કે આ ગુંડાઓને સરકારે જ મોકલ્યા હતા.

તેમણે પોલીસતંત્રને અપીલ કરતા જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ સરકારના કોઇ આદેશથી ડંડાવાળી ન કરે, કોઇ પ્રધાનના ઇશારે ખોટા કેસ ન કરે અને સ્વતંત્ર રીતે પોતાની ફરજ બજાવે. ગુજરાતમાં દોઢ વર્ષમાં ચૂંટણી થવાની છે અને જે પ્રકારે લોકોમાં સરકાર વિરુદ્ધ ગુસ્સો છે તેને જોતા દોઢ વર્ષમાં નવી સરકાર આવશે. આ નવી સરકાર પોલીસતંત્રને મદદરૂપ બનશે.

You might also like