કેજરીવાલે આઈએએસના બદલે એન્જિનિયરને સચિવ બનાવતાં વિવાદ

નવી દિલ્હી: દિલ્હી સરકારમાં એક નવો વિવાદ છેડાયો છે. આ વખતે બે વિભાગના સચિવોને લઈને અધિકારીઓ અને સરકાર વચ્ચે અણબનાવ ઊભો થયો છે. બે વિભાગના સચિવોને લઈને એક આદેશ જારી કરવામાં આવ્યો છે, તેમાં આરોગ્ય વિભાગ અને પીડબલ્યુડી વિભાગના સચિવોનો સમાવેશ થાય છે. આઈએસના સ્થાને એન્જિનિયરને સચિવ બનાવી દેવામાં આવતાં હવે અધિકારીઓ અને કેજરીવાલ સરકાર વચ્ચે સંઘર્ષ છેડાશે એ નક્કી છે.

પીડબલ્યુડી વિભાગના સચિવ તરીકે આ જ વિભાગના એન્જિનિયર ઈન ચીફની નિમણૂક કરી દેવામાં આવી છે. સર્વજ્ઞ શ્રીવાસ્તવને આ વિભાગના સચિવ બનાવવામાં આવ્યા છે. વાસ્તવમાં અત્યાર સુધી આઈએએસ અધિકારીને જ પીડબલ્યુડી વિભાગના સચિવ બનાવવામાં આવતા હતા. જ્યારે આ વખતે પ્રથમ વાર એક એન્જિનિયરને સચિવ બનાવી દેવામાં આવ્યા છે.

અત્યાર સુધી આ વિભાગમાં ખાસ બે વિભાગ જ હતા. એક એન્જિનિયરિંગ અને બીજો નાણાકીય વિભાગ હતો. બંને વિભાગના વડા તરીકે એન્જિનિયરની નિમણૂક કરવામાં આવતાં હવે આ એન્જિનિયર જ એ‌િક્ઝક્યુટિવને લગતા નિર્ણયો લેશે. આમ, નાણાકીય બાબતો પર અધિકારીઓની નજર રહેશે નહીં. આ વિભાગના મુખ્ય સચિવ ચેતન ગાંધી હતા, જે સરકારમાં લાંબી રજા ઉપર છે. તેમના વિરુદ્ધ એસીબીએ ઔદ્યોગિક જમીન ફ્રી હોલ્ડ કરવાનો કેસ દાખલ કર્યો છે.

બીજા નિર્ણયમાં દિલ્હીના આરોગ્ય વિભાગની જવાબદારી આઈઆરએસ અધિકારી ડો. તરુણસીમને સોંપવામાં આવી છે. આમ, આઈએએસ અધિકારીઓની ઉપેક્ષા કરીને નવી જવાબદારી સોંપાઈ છે.

You might also like