કેજરીવાલની એન્ટ્રી ભાજપને ભારે પડી શકે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તો સોમનાથ મહાદેવ મંદિરે માથું નમાવીને દિલ્હી જતાં રહ્યા, પરંતુ ભાજપના નેતાઓ તેમની ગુજરાત એન્ટ્રીથી માથું ખંજવાળતા થઇ ગયા છે. ભાજપના પ્રદેશપ્રમુખ વિજય રૂપાણી અને સરકારના પ્રવક્તા નીતિન પટેલે સ્પષ્ટ હુંકાર કર્યો કે કેજરીવાલના આગમનથી ભાજપ કે સરકારને કોઇ ફરક પડતો નથી. વાસ્તવિકતા એ છે કે કેજરીવાલના આગમનથી માંડીને દિલ્હી પરત ફર્યા સુધીમાં કોણકોણ તેમને મળ્યું તેની યાદી આઇબીએ મુખ્યમંત્રી સુધી મોકલવાનો આદેશ કર્યો. ભાજપ કોંગ્રેસથી વધુ કેજરીવાલની સ્ટાઇલથી ગભરાઈ રહ્યું છે.

‘આપ’ પક્ષે ગુજરાતમાં ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. ભાજપના ટોચના નેતાએ પાર્ટીને સ્પષ્ટ જણાવી દીધું છે કે ગુજરાતમાં ‘આપ’ તરફ નજર રાખજો, કારણ કે કેજરીવાલ ગુજરાતમાં ભાજપ વિરુદ્ધનો માહોલ જમાવવામાં ચોક્કસ સફળ થશે. આ નેતાએ એટલી હદ સુધી કહ્યું કે દિલ્હીમાં મોટા સાહેબ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ કેજરીવાલની ચાલને પારખી શક્યા ન હતા.

કેજરીવાલે ગુજરાત મુલાકાતમાં પણ અનેક રાજકીય દાવ નાખ્યા હોવાનું રાજકીય પંડિતો કહી રહ્યા છે. ‘આપ’ પક્ષે હાર્દિક પટેલ જેલમાંથી છૂટ્યો તેને બિરદાવી ભાજપને ભીંસમાં લીધો. પાટીદારો પ્રત્યે સહાનુભૂતિ બતાવી. ખેડૂતોને મળવા સીધા ખેતરમાં પહોંચી ગયા. ભાજપ સરકારના ભ્રષ્ટાચાર સામે લડાઇની જાહેરાત કરી. આ તમામ ઘટનાક્રમથી ‘આપ’ ગુજરાતમાં જમીન ઊભી કરી રહ્યું હોવાનું મનાઈ રહ્યું છે. હાલ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને વકીલ યતીન ઓઝા ‘આપ’માં જોડાયા છે, પરંતુ સચિવાલયમાં ચર્ચા ચાલી રહી છે કે, જેમ ચૂંટણી નજીક આવશે તેમ અનેક બુદ્ધિજીવીઓ, નિવૃત્ત અધિકારીઓ ‘આપ’માં જોડાઈને માહોલ બનાવશે.

સાહેબ બહુ કડક…નજીવા કારણથી કરી નાખી પાંચ બદલી
વહીવટીતંત્રમાં આઇએએસ-આઈપીએસ અધિકારીઓને લોકો સન્માનની નજરે જોતાં હોય છે. જોકે કેટલાક અધિકારીઓનું તેમના જ કર્મચારીઓ સાથેનું વર્તન તેમની માનસિકતા સામે જ સવાલો ઊભો કરે છે. આઇપીએસ વિપુલ વિજોયનો કેસ પ્રકાશમાં આવ્યો ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું કે એક ઉચ્ચ અધિકારી પોતાના જ સ્ટાફ સાથે આવું વર્તન પણ કરી શકે. આવા જ એક આઇએએસ અધિકારીની ચર્ચા હાલ સચિવાલયમાં થઇ રહી છે.

આ અધિકારી એક નિગમમાં એમડી તરીકે ફરજ બજાવે છે. તેઓ નિગમમાં ખાનગી કરારથી કામ કરતાં કર્મચારીઓને પોતાના ઘરે ફરજિયાત કામે રાખે છે. આટલું ઓછું હોય તેમ મજબૂરીના માર્યા આવા કર્મચારીઓને રિસેસ સિવાય પીવાનું પાણી પણ નહીં પીવા સૂચના અપાઈ છે. કારણ કે તેમનાં ઘરે કામ કરતો કર્મચારી ફરજ દરમ્યાન પાણી પીએ તો તેને કુદરતી શૌચક્રિયા કરવી પડે અને તે માટે તે અધિકારીના ઘરનાં શૌચાલયનો ઉપયોગ કરે. થોડા સમય અગાઉ એક વર્ગ-૪ના કર્મચારીને તરસ લાગતાં તેણે સાહેબના ઘરે રાખેલ જગમાંથી પાણી પીધું તો સાહેબે તરત જગ ફેંકી દીધો તે કર્મચારીને હેરાન કરવા તેની બદલી પણ કરી દીધી.

સચિવાલયમાં ચાલતી ચર્ચા મુજબ આ સિનિયર આઇએએસ અધિકારીનો રુઆબ એટલો છે કે તે હાલતા ચાલતા કર્મચારીઓની બદલી કરી નાખે છે. અગાઉ નિગમની કચેરીમાં ચા પીને પરત ફરી રહેલા કર્મચારીઓ સાહેબની નજરે ચઢી ગયા તો એક કર્મચારીને કચ્છ અને બીજાને નલિયા મોકલી દીધો. આવી બદલીઓ આ અધિકારી દ્વારા વારંવાર કરવામાં આવતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તેમની કાર્યપ્રણાલીથી અન્ય અધિકારીઓ વાકેફ છે, પણ કોઇ સલાહ આપવાનું યોગ્ય માનતું નથી. જ્યારે નજીવા કારણસર બદલીઓ થતી હોવાથી કર્મચારીઓ પણ તેમની સામે બોલવા તૈયાર નથી.

પ્રદેશપ્રમુખ પર મંત્રીપદ છોડવાનું દબાણ વધશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળમાં ફેરબદલ કર્યા. રાજ્યમાંથી ત્રણ રાજ્યકક્ષાના પ્રધાનોનો ઉમેરો થયો તો બે રાજ્યકક્ષાના પ્રધાનોની બાદબાકી થઇ. જોકે પ્રધાનોનો ઉમેરો પ્રદેશપ્રમુખ વિજય રૂપાણી માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરષોત્તમ રૂપાલાનો લાંબા સમય બાદ રાજકારણના મુખ્ય પ્રવાહમાં પ્રવેશ થયો. આ જ રીતે પ્રદેશ મહામંત્રી મનસુખ માંડવિયાને પણ કેન્દ્રમાં પ્રધાનપદ મળ્યું. આ બંને નેતાઓ સૌરાષ્ટ્રની સાથે પાટીદારોનું પ્રતિનિધિત્વ પણ કરે છે. જ્યારે ત્રીજા પ્રધાન તરીકે જશવંત ભાભોરનો સમાવેશ કરાયો જેઓ પ્રદેશ ઉપાધ્યક્ષ પદે છે.

સ્વાભાવિક છે કે ભાજપમાં એક હોદ્દો – એક પદની પરંપરા જાળવવાં આ ત્રણેયને સંગઠનમાંથી રાજીનામું આપવા કહેવાશે તો તેઓ અદના કાર્યકરોની જેમ રાજીનામું આપી પણ દેશે. આથી જ પ્રદેશપ્રમુખ બનેલા વિજય રૂપાણી પણ રાજ્યના મંત્રીમંડળમાં કેબિનેટ પ્રધાન તરીકે ચાલુ હોવાથી સ્વાભાવિક રીતે તેઓ પર પણ એક હોદ્દો છોડવાનું નૈતિક દબાણ ઊભું થશે.

હિતલ પારેખ

You might also like