પ્રચારમાં CM કેજરીવાલે મનીષ સિસોદિયાને પાગલ ગણાવી દીધા

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચાર દરમિયાન ગઈ કાલે એક સભાને સંબોધતાં નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને પાગલ ગણાવતાં પક્ષમાં ભારે વિવાદ થયો છે. ગઈ કાલે યોજાયેલી એક જનસભાને સંબોધતાં કેજરીવાલ જ્યારે તેમની સરકારની સિદ્ધિઓનું વર્ણન કરતા હતા ત્યારે તેમને પોતાના પ્રધાનોની પ્રશંસા કરવામાં જાણે સુઝબુઝ ન રહી હોય તેમ તેમણે જણાવ્યું હતું કે અમારા નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા પાગલ આદમી છે. તેઓ પ્રધાન બની ગયા બાદ સરકારી સ્કૂલોમાં ફરી રહ્યા છે. તેમણે સ્કૂલોમાં ફી વધવા દીધી નથી. તેમજ શિક્ષણ માફિયાઓ પર લગામ લાવી તેમની સામે કેસ દાખલ કરી દીધા છે.

તેમણે જણાવ્યુ કે અમારી સરકારે દેશનાં અન્ય રાજ્યની સરકારોની સરખામણીમાં સસ્તી વીજળી પૂરી પાડી છે. અમે દિલ્હીમાં માફિયારાજ ખતમ કરી નાખ્યું છે. વીજળીના દર ઘટાડવા અમે ગુજરાતમાં પણ આંદોલન શરૂ કર્યું છે. તેથી દેશની તમામ વીજ કંપનીઓ અમારી વિરુદ્ધ થઈ ગઈ છે. તેમણે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનનો પણ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે દિલ્હીની હોસ્પિટલની કાયાકલ્પ કરવા તેમણે ભારે જહેમત ઉઠાવી છે. તેથી તેમની સામે એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી.
http://sambhaavnews.com/

You might also like