અરૂણાચલમાં રાષ્ટ્રપતિ શાસન રદ કરવા ભલામણ

નવીદિલ્હી : એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમમાં કેન્દ્રીય કેબિનેટે અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસનને રદ કરવાની આજે ભલામણ કરી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટે સત્તા સંભાળવાથી નવી સરકારને રોકવાનો ઇન્કાર કરી દીધો હતો. અહેવાલ મુજબ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા રાજ્યપાલ જ્યોતિ પ્રસાદ રાજખોવા તરફથી અહેવાલની રાહ જોવામાં આવી રહી હતી. કોંગ્રેસના અસંતુષ્ટ કાલીખો પોલે ૧૫મી ફેબ્રુઆરીના દિવસે તેમનો સંપર્ક કર્યો હતો અને ટેકાના પત્રો સોંપ્યા હતા.

સાથે સાથે કટોકટીગ્રસ્ત અરુણાચલ પ્રદેશમાં સરકારની રચના કરવાનો દાવો કર્યો હતો. સમર્થન પત્રોમાં પોલે દાવો કર્યો છે કે તેમને કોંગ્રેસના ૧૮ ધારાસભ્યો અને ભાજપના ૧૧ ધારાસભ્યોનો ટેકો છે. રાજ્યના બે અપક્ષ સભ્યોનો પણ ટેકો છે. ૧૬મી ફેબ્રુઆરીના દિવસે કોંગ્રેસના સભ્યો રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળ્યા હતા અને અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસનના સંદર્ભમાં સરકાર તરફથી કોઇ ભલામણ ન સ્વીકારવા કહ્યું હતું.

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, અરુણાચલના રાજ્યપાલ જેપી રાજખોવા પક્ષના બળવાખોર નેતા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવો ઇરાદો ધરાવે છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી નદામ તુકી વિધાનસભામાં બહુમતિ ધરાવે છે છતાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે પક્ષના બળવાખોર નેતા શપથ લે તેવો ઇરાદો રાજ્યપાલનો રહેલો છે. અત્રે નોંધનીય છે કે, અરુણાચલ પ્રદેશમાં એ વખતે રાજકીય કટોકટી ઊભી થઇ ગઇ હતી.

જ્યારે ૬૦ સભ્યોના ગૃહમાં કોંગ્રેસના ૪૭ ધારાસભ્યો પૈકીના ૨૧ સભ્યો તથા ભાજપના ૧૧ તેમજ બે અપક્ષ સભ્યો અધ્યક્ષ પાસે પહોંચી ગયા હતા અને કોંગ્રેસના મુખ્યમંત્રી નદામ તુકીની જગ્યાએ અસંતુષ્ટ કોંગ્રેસી નેતા કાલીખો પોલને ચૂંટી કાઢ્યા હતા. ડિસેમ્બર મહિનામાં ગુપ્ત સ્થળ પર એક બેઠક અગાઉ યોજાઈ હતી. અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસનને લઇને હાલમાં વિરોધનું મોજુ ફરી વળ્યું હતું. કોંગ્રેસ અને ભાજપ રાષ્ટ્રપતિ શાસનને લઇ આમને સામને હતા.

You might also like