અરુણાચલના રાજ્યપાલને પાઠવેલી નોટિસ સુપ્રીમ કોર્ટે પાછી ખેંચી લીધી

નવી દિલ્હી : પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું તેને પડકારતી એક અરજી પર રાજ્યના રાજ્યપાલ જ્યોતિપ્રસાદ રાજખોવાને પાઠવેલી નોટિસ આજે સુપ્રીમ કોર્ટે પોતાની ભૂલ ગણાવીને પાછી ખેંચી લીધી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના વર્ષ ૨૦૦૬ના ચુકાદાને રજૂ કર્યો તે પછી કોર્ટની પાંચ જજોની બંધારણ બેંચે નોટિસ પાછી ખેંચી લીધી હતી.  ૨૦૦૬ના ચુકાદામાં ઠેરવાયું હતું કે રાજ્યપાલને અદાલતી પ્રક્રિયામાં સંપૂર્ણ મુક્તિ હોય છે.

જોકે,  રાષ્ટ્રપતિ શાસન સામે અરુણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકીની નવેસરની અરજી પર સુપ્રીમે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી હતી. જસ્ટિસ જે એસ શેખરે જણાવ્યું હતું,’તે (નોટિસ જારી કરવાની) અમારી ભૂલ છે. અમે પ્રતિવાદી નં.૨ (રાજ્યપાલ)ને જારી કરવામાં આવેલી નોટિસ પાછી ખેંચવાનું યોગ્ય અને ન્યાયી માનીએ છીએ.

‘અગાઉ કોંગ્રેસશાસિત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરતો રાજ્યપાલ રાજખોવાનો અહેવાલ તથા તે પછી રાષ્ટ્રપતિ દ્વારા જીઝ્ર મંજૂરીને પડકારતી કોંગ્રેસની અરજી અંગે કેન્દ્ર સરકારે શુક્રવારે સુપ્રીમમાં તેનો જવાબ રજૂ કર્યો હતો. અરુણાચલ વિધાનસભાના કોંગ્રેસના મુખ્ય દંડક રાજેશ ટાકોએ દાખલ કરેલી અરજી પર કોર્ટની બંધારણ બેંચે ૨૭મી જાન્યુઆરીએ આપેલા આદેશના પાલનમાં કેન્દ્ર સરકારે તેનો જવાબ રજૂ કર્યો હતો.

સરકારે તેનો જવાબ સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રી વિભાગમાં સુપરત કર્યો હતો.૨૭ જાન્યુઆરીએ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો નિર્ણય લેતી વખતે કેન્દ્ર સરકારે રાજ્યપાલના અહેવાલ અને અન્ય માહિતી પર આધાર રાખ્યો હતો.  રાજખોવાએ ૨૮મી જાન્યુઆરીએ પૂર્વોતર રાજ્યમાં પ્રવર્તતી રાજકીય કટોકટી અંગે કેન્દ્ર સરકારને આપેલો પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સીલબંધ કવરમાં સુપરત કર્યો હતો. તેમાં એકમાં તેમણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પણ ભલામણ કરી હતી.

You might also like