Categories: India

અરુણાચલનો બોધપાઠ

અરુણાચલ પ્રદેશમાં ભાજપના રાજકીય દુઃસાહસના ફિયાસ્કાનો પડઘો આંતર-રાજ્ય પરિષદની બેઠકમાં પડ્યો. બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે આ ઉદાહરણનો આધાર લઈને રાજ્યપાલના પદની નાબૂદીની માગણી કરી નાખી. પ્રાદેશિક પક્ષો દ્વારા શાસિત અન્ય બિનભાજપી મુખ્યપ્રધાનો આવી માગણીમાં સૂર પુરાવવાની હદ સુધી તો ન ગયા પણ તેઓએ રાજ્યપાલની ભૂમિકા સામે પ્રશ્નો ખડા કરીને ટીકા તો કરી જ. રાજ્યપાલની નિયુક્તિમાં મુખ્યપ્રધાનનો અભિપ્રાય લેવાની વાત પણ થઈ.

કેન્દ્રમાં યુપીએના શાસન દરમિયાન ભાજપના મુખ્યપ્રધાનો પણ આવી માગણી કરતા હતા. હવે આવી રજૂઆતો સાંભળવાનો વારો ભાજપના કેન્દ્રીય નેતાઓનો છે. મહત્ત્વની વાત એ છે કે, દસ વર્ષ પછી પહેલીવાર મળેલી ઈન્ટર સ્ટેટ કાઉન્સિલની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘કો-ઓપરેટિવ ફેડરલિઝમ’ યાને સહકારયુક્ત સમવાય તંત્રની પ્રસ્તુતીનું ધોવાણ થઈ ગયું. બિહાર, બંગાળ, દિલ્હી, આંધ્ર, તામિલનાડુ, સહિતનાં રાજ્યોના મુખ્યપ્રધાનોની રજૂઆત, ફરિયાદ અને સૂચનોના જવાબ આપવાનું કે તેનો યોગ્ય પ્રતિભાવ આપવાનું વડાપ્રધાન અને ગૃહપ્રધાન માટે મુશ્કેલ અને મૂંઝવણરૂપ બની ગયું.

એ સ્થિતિમાં આંતર-રાજ્ય પરિષદનો એજન્ડા પણ હાંસિયામાં ધકેલાઈ ગયો. મમતા બેનરજીએ તો આંતર-રાજ્ય પરિષદનો એજન્ડા નક્કી કરવાની પ્રક્રિયા સામે જ સવાલ ખડો કર્યો હતો. દસ વર્ષે યોજાયેલી આંતરરાજ્ય પરિષદના આવા હાલહવાલ માટે આખરે જવાબદાર તો કેન્દ્ર સરકાર જ ઠરે છે.અરુણાચલ પ્રદેશના રાજકીય ઘટનાક્રમના ઓછાયામાં જ્યારે આંતર-રાજ્ય પરિષદ યોજાતી હોય, ત્યારે વડાપ્રધાન અને ગૃહપ્રધાને એ વિશે કેન્દ્ર સરકારનાં વલણ અને અભિપ્રાયથી સજ્જ બનીને આવવાની જરૂર હતી.

અરુણાચલના ઘટનાક્રમમાં કોંગ્રેસના વિદ્રોહી સભ્યોએ છ માસ પહેલાં રાજ્ય સરકારને લઘુમતીમાં મૂકી દઈને જે ઘટનાક્રમની શરૂઆત કરી હતી તેને તાર્કિક અને સ્વાભાવિક રાજકીય પ્રક્રિયા દ્વારા આગળ ધપવા દેવાને બદલે રાજ્યપાલ જે.પી. રાજખોવાએ તેમની મર્યાદા ઓળંગીને, ઘટનાક્રમને કેન્દ્ર અથવા ભાજપના નેતાઓની ઇચ્છા-અપેક્ષા અનુસાર ઉતાવળે આકાર આપવાના પ્રયાસમાં જે જે ભૂલો કરી, એ ભૂલો જ સર્વોચ્ચ આદાલતના આ વિષયને અનુલક્ષીનેે આવેલા નિર્ણયના મૂળમાં છે. અરુણાચલમાં રાજ્યપાલની વરવી ભૂમિકાનો કોઈ બચાવ થઈ શકે તેમ નથી, અને તેની જવાબદારીમાંથી કેન્દ્ર સરકાર પણ છટકી શકે નહીં.

ઉત્તરાખંડ પછી અરુણાચલના કેસમાં પણ કેન્દ્રને અદાલતની ટીકા-ટિપ્પણી સહન કરવી પડી છે. છ માસના સમયગાળા પછી કોંગ્રેસ મોવડીમંડળે પોતાની ભૂલો સુધારી લીધી છે. બળવાખોર સભ્યોની ઇચ્છાને અનુરૂપ નવા નેતાની પસંદગી કરીને પેમા ખાંડુને મુખ્યપ્રધાન બનાવાયા છે. આવા એક સાદા પગલાં દ્વારા કોંગ્રેસ તેમના બળવાખોર સભ્યોને પક્ષમાં પાછા લાવી શકી.

કોંગ્રેસ મોવડીમંડળે છ માસ પહેલાં જો વિદ્રોહી સભ્યોની આ વાત સ્વીકારી હોત તો અરુણાચલ છ માસની રાજકીય અસ્થિરતામાંથી બચી ગયું હોત. ઉત્તરાખંડ અને અરુણાચલના ઘટનાક્રમમાંથી કોંગ્રેસે ઉત્તમ બોધપાઠ ગ્રહણ કર્યો છે. કેન્દ્રની ભાજપ સરકાર અને પક્ષના નેતાઓએ પણ ઘટનાક્રમમાંથી તેમને માટે અપેક્ષિત બોધપાઠ લેવો જ રહ્યો.

divyesh

Recent Posts

વડા પ્રધાન મોદી વારાણસીમાંઃ રૂ.ર૧૩૦ કરોડના પ્રોજેકટ્સનું લોકાર્પણ

(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…

16 hours ago

ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…

17 hours ago

બેફામ સ્પીડે દોડતાં વાહનો સામે ટ્રાફિક પોલીસ-સ્પીડગન લાચાર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…

17 hours ago

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષના બ્લોગને પાકિસ્તાની હેકર્સે નિશાન બનાવ્યો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…

18 hours ago

પશ્ચિમ ઝોનમાં પાંચ વર્ષના રોડના 750 કરોડનાં કામનો હિસાબ જ અધ્ધરતાલ!

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરી‌િત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…

18 hours ago

પથ્થરબાજોને સેનાની આખરી ચેતવણીઃ આતંકીઓને મદદ કરશો તો માર્યા જશો

(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…

19 hours ago