નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકારની બહાલી બાદ પણ હજુ રાજકીય સંકટ દૂર થયું નથી. એક અખબારના અહેવાલ અનુસાર હવે કેન્દ્ર સરકાર અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ જ્યોતિપ્રસાદ રાજખોવાને હોદ્દા પરથી હટાવવાની તૈયારી કરી રહી છે.
મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયના કેટલાય જુનિયર નેતાઓ અને વરિષ્ઠ અધિકારીઓએ રાજખોવા સુધી એ સંદેશો પહોંચાડી દીધો છે કે તેમણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઇએ એટલું જ નહીં તેમને એવું પણ જણાવાયું છે કે રાજીનામું આપવાના કારણમાં તેઓ નાદુરસ્ત તબિયત હોવાનું દર્શાવે.
જોકે રાજ્યપાલ રાજખોવા રાજીનામું આપવાના મૂડમાં નથી. વાસ્તવમાં રાજ્યપાલ અંગે વિવાદ અરુણાચલ પ્રદેશમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ શાસનને હટાવીને ફરીથી કોંગ્રેસની સરકાર બનાવવાના આદેશ બાદ છેડાયો છે. વિરોધ પક્ષો સંસદમાં સતત અરુણાચલનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા અને રાજખોવાને પરત બોલાવવાની માગણી પણ કરી રહ્યા હતા. વિરોધ પક્ષ અને હવે ગૃહ મંત્રાલયનો આક્ષેપ છે કે રાજખોવાએ કોંગ્રેસની સરકારને હેરાન કરવાનું કામ કર્યું છે. સુપ્રીમ કોર્ટે ૧૩ જુલાઇના રોજ કોંગ્રેસની સરકારને ફરીથી સ્થાપવાના રાજખોવાના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો. રાજખોવાએ પહેલાં રાષ્ટ્રપતિ શાસન લાદયું હતું અને ત્યાર બાદ સરકાર રચવાના આદેશ કર્યા હતા.