અરૂણ જેટલીએ ઇન્દીરા ગાંધીની તુલના હિટલર સાથે કરી, FB પર કરી પોસ્ટ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા મંત્રી આજકાલ મીડિયા સમક્ષ ઓછી અને ફેસબુક દ્વારા વધારે ટિપ્પણી કરી રહ્યા છે. કટોકટીના 43માં વર્ષે તેમણે ફેસબુકના માધ્યમથી જૂના દિવસોને યાદ કર્યા. ત્રણ ભાગમાં લખાયેલા લેખના બીજા ભાગમાં જેટલીએ આક્ષેપોની સીમારેખા ઓળંગી નાખી. સ્પષ્ટ શબ્દોમાં ઇન્દીરા ગાંધીની તુલના હિટલર સાથે કરી નાખી.

અરૂણ જેટલીએ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધી પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. 25 જૂન દેશના ઇતિહાસનો એક એવો દિવસ છે જ્યારે 1975માં લોકતંત્રના ધજાગરા ઉડ્યા હતા. તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધીની ભલામણ પર રાષ્ટ્રપતિએ દેશમાં કટોકટી જાહેર કરી દિધી. મીડિયા તેમજ વિપક્ષ પર અકુંશ લાવી દિધુ.

કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ આ જ દિવસોને યાદ કર્યા. ઇન્દીરા ગાંધીની તુલના હિટલર સાથે કરી નાખી. અરૂણ જેટલીએ ફેસબુક પર લખ્યું કે ‘હિટલર અને ઇન્દીરા ગાંધીએ સંવિધાનના ધજાગરા ઉડાવ્યા હતા. બંનેએ સામાન્ય જનતા માટે બનેલા સંવિધાનને તાનાશાહીના સંવિધાનમાં બદલી નાખ્યો. હિટલરે સંસદના મોટાભાગના વિપક્ષના નેતાઓની ધરપકડ કરાવી લીધી હતી અને અલ્પમતની સરકાર હોવા છતાં સંસદમાં બે તૃત્યાંસ બહુમત સાબિત કરી લીધું હતું તેવું જ કામ ઇન્દિરા ગાંધીએ કર્યું.

અરૂણ જેટલીએ કટોકટીના સમયગાળાને યાદ કરતા ત્રણ ભાગમાં અનુભવ લખ્યો છે. જેમાં બીજા ભાગમાં 12 વખત હિટલર શબ્દનો ઉપયોગ કર્યો. જો કે કોંગ્રેસના નેતાઓએ આ મામલે સ્પષ્ટ શબ્દોમાં તો પ્રતિક્રિયા આપી નથી. પરંતુ દેશની હાલની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યા.

ભાજપે 25 જૂનના દિવસને કાળા દિવસ તરીકે ઉજવ્યો હતો. 43 વર્ષ પહેલા દેશમાં કટોકટી લાગૂ થઇ ગયા બાદ વિપક્ષને નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. એકહથ્થુ શાસન દોઢ વર્ષ કરતા વધુ સમય સુધી ચાલ્યો. આખરે 21 માર્ચ 1977ના રોજ દેશમાંથી કટોકટી હટાવી લેવામાં આવી હતી.

You might also like