જેટલી-કેજરી આક્ષેપોનું રાજકારણ!

સંસદનું સત્ર ચાલુ છે અને મોટા ભાગનો સમય વેડફાઈ ગયો છે, એ વાતનું આશ્ચર્ય કે આઘાત ભાગ્યે જ કોઈને હશે, કારણ કે દેશની જનતા સંસદને આ રીતે જોવા ટેવાતી જાય છે. ગયા સત્રમાં કેન્દ્ર સરકારનાં વરિષ્ઠ મંત્રી સુષ્મા સ્વરાજને લલિત મોદીના ક્રિકેટના રાજકારણના સંદર્ભમાં ભ્ર્રષ્ટાચારના મુદ્દે ઘેરવામાં આવ્યા હતા. આ વખતે પણ ક્રિકેટના જ રાજકારણમાં હવે ભ્રષ્ટાચારના મુદ્દે આવા જ એક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીને ઘેરવામાં આવ્યા છે.

દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનમાં થયેલા ભ્રષ્ટાચારની લડાઈ આક્ષેપો-પ્રતિઆક્ષેપો-પત્રકાર પરિષદ, સંસદ અને અદાલત સુધી પહોંચી ગઈ છે. અરુણ જેટલીએ પોતાની સામે થયેલા ગંભીર આક્ષેપો સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના છ નેતાઓ સામે પતિયાલા હાઉસ કોર્ટમાં ક્રિમિનલ અને હાઈકોર્ટમાં રૂપિયા દસ કરોડનો બદનક્ષીનો દાવો માંડી દીધો છે.

પતિયાલા હાઉસ અદાલતના મુખ્ય મહાનગર દંડાધિકારી સંજય ખંગવાલે અરુણ જેટલીને સમન્સની પહેલાં સાબિતી રજૂ કરવાનો નિર્દેશ કરીને હવે પછીની મુદત પાંચમી જાન્યુઆરીએ નક્કી કરી છે, જ્યારે હાઈકોર્ટમાં મંગળવારે સંયુક્ત રજિસ્ટ્રાર સુનાવણી કરવાના છે. હાઈકોર્ટમાં આમ આદમી પાર્ટી દ્વારા સુનાવણી પહેલાં પોતાનો પક્ષ સાંભળવા અરજી પણ કરી દેવામાં આવી છે.

કેસનું મહત્ત્વ સમજવું હોય તો પ્રથમ નજરે એ જ છે કે, અરવિંદ કેજરીવાલના મુખ્ય વકીલ રામ જેઠમલાણી રહેવાના છે, જે જેટલી દ્વારા બદનક્ષી માટેની કલમ-૪૯૯, બદનક્ષી માટે સજાની કલમ -૫૦૦, બદનક્ષી માટે વપરાયેલી સામગ્રી માટેની કલમ-૫૦૧, બદનક્ષી માટે વપરાયેલી સામગ્રીના વેચાણ માટેની કલમ-૫૦૨, એક જ ઉદ્દેશ્ય માટે એકથી વધારે વ્યક્તિ દ્વારા આચરવામાં આવેલા ગુના માટેની કલમ-૩૪ અને ૩૫ સામે બચવા કરવાનો કેસ લડશે.

અરુણ જેટલીએ કરેલા કેસમાં વજૂદ હોય તો સામેના પક્ષનાઓને વધુમાં વધુ બે વર્ષની જેલની સજા થઈ શકે છે. આ કેસની પ્રાથમિક સુનાવણી જે અડધી કલાક થઈ તેમાં કેન્દ્રીય મંત્રીઓ વૈંકેયા નાયડુ, જે.પી. નડ્ડા, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, પીયૂષ ગોયલ અને રાજ્યવર્ધન રાઠોડ હાજર રહ્યાં હતાં.

રાજકીય ફલક પર જે સિનારિયો જોવા મળે છે તેમાં બે બાબત નોંધપાત્ર છે. એક ક્રિકેટ, કે જેને દેશવાસીઓ માત્ર રમત-ગમતના મનોરંજન તરીકે જુએ છે, તે આ દેશમાં કરોડો-અબજો રૂપિયાના કારોબાર સાથે ભ્રષ્ટાચાર અને રાજકીય ખેલ-ખટપટનું પણ માધ્યમ છે. બીજું, નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીની અદાલતમાં હાજરી બાદ ‘સહાનુભૂતિ’ની રાજકીય ગણતરીમાં કોંગ્રેસ અને ભાજપ જેવા રાજકીય પક્ષો માટે અદાલત પણ મહત્ત્વની છે.

અદાલતમાં હાજર રહેવાની, જેલમાં જઈને હીરો બનવાની, ગુનાહિત બાબતોને ટલ્લે ચડાવી દેવા માટે દાવા-પ્રતિદાવાની રણનીતિ, આ બધું હવે રાજકીય લાભા-લાભની ગણતરી પર વધુ જોવા મળે છે. આવા કોઈ પણ મામલામાં ગંભીર રીતે તપાસ થઈ હોય અને સમયસર સત્ય બહાર આવ્યું હોય તેવા કિસ્સાઓ જડવા મુશ્કેલ છે.

આપણા જાહેર જીવનમાં અનેક વાર કેટલાક કિસ્સાઓ ઝડપભેર પ્રકાશમાં આવે છે, સનસનાટી ફેલાવે છે, ખળભળાટ કરે છે અને થોડા જ સમયમાં બધું શાંત થઈ જાય છે, ભૂલાઈ જાય છે. પ્રચાર-પ્રસારનાં માધ્યમમાં ચગેલા આવા કિસ્સાઓ સરકારી ચોપડે તો ક્યાંક અદાલતોના રેકર્ડ પર તેના તાર્કિક અંતની રાહ જોતાં વર્ષો સુધી પડી રહે છે.

આમ સ્વચ્છ જાહેર જીવનના આગ્રહ માટે લડાતી લડાઈ કે સંઘર્ષ ક્યારેય સમયસર પરિણામલક્ષી બન્યા હોય તેવું આપણા રાજકીય ફલક પર જોવા મળતું નથી, તે અફસોસજનક છે. લલિત મોદી કાંડ હોય કે ડીડીસીએ, સત્યની શોધ એ હવે તો પ્રજાની ઝંખના સ્વરૂપે પણ જોવા મળતી નથી, ત્યારે સનસનાટીના આવા ઊભરાઓ એક વાર જોવા મળે કે વારંવાર, દેશને શું લાભ?

રાજનેતાઓ પર લાગતા આક્ષેપરૂપી ડાઘ પણ એટલી હદે બિનઅસરકારક બનતા રહ્યા છે કે જેની ચિંતા પણ સ્વાભાવિક રૂપે જ રાજનેતાઓ હવે કરતા હોય એવું લાગતું નથી. એક સમય હતો, જ્યારે રેલવેના એક અકસ્માત માટે તત્કાલીન રેલવે મંત્રી લાલબહાદુર શાસ્ત્રીએ રાજીનામું આપી દીધેલું, હવે તો નૈતિકતાના ધોરણે રાજીનામું આપવાનું વાતાવરણ પણ નથી, કારણ કે આક્ષેપોનું સ્તર પણ એટલું ગંભીર નથી હોતું. આવા સંજોગોમાં સાચું કોણ અને ખોટું કોણ તે જાણવાની ઉત્સુકતા પણ પ્રજાના હિત માટેની હોવાના બદલે ‘ટાઈમ પાસ’ જેવી બની રહે છે.

સુધીર એસ. રાવલ

You might also like