કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી ગુજરાતની મુલાકાતે

અમદાવાદ: ડીડીસીએમાં કથિત ભ્રષ્ટાચારના મામલે વિવાદાસ્પદ બનેલા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી ગુજરાતની એક દિવસની એક દિવસની મુલાકાતે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી સામે ભાજપના સસ્પેન્ડેડ સાંસદ કીર્તિ ચૌહાણે ડીડીસીએમાં કહેવાતી આર્થિક ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવીને દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે. જો કે કીર્તિ આઝાદના આક્ષેપને અરુણ જેટલીએ ફગાવી દીધા છે. જો કે કીર્તિ આઝાદ ઉપરાંત દિલ્હીની ‘આપ’ સરકાર ડીડીસીએ મામલે તપાસપંચ નિમવાની જાહેરાત કરીને કેન્દ્રીય નાણામંત્રી ઉપર કાયદાકીય ભીંસ વધારી છે. અલબત્ત તપાસપંચના મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગ વચ્ચે ઘર્ષણ ઊભું થયું છે. દરમ્યાન કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી ગુજરાતની મુલાકાતે આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય સરકારના મંત્રીઓ સૌરભ પટેલ અને પ્રદીપસિંહ જાડેજા તેમ જ ભાજપના અગ્રણીઓ કાનાજી ઠાકોર, પરિન્દુ બગત અને અમલ વ્યાસ વગેરેએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. જો કે તેમણે કીર્તિ આઝાદના આક્ષેપોનો ઉત્તર આપવાને બદલે મૌન પાળ્યું હતું.

ત્યારબાદ તેઓ સક્રિટ હાઉસ જવા માટે રવાના થયા હતા. સર્કિટ હાઉસમાં ટૂંકુ રોકાણ કરીને અરુણ જેટલી ભાજપના પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભોજન લેવા રવાના થયા હતા. સુરેન્દ્ર પટેલ સાથે ભોજન સહિતની ઉષ્માસભર મુલાકાત બાદ તેઓ સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરવા પરત ફર્યા હતા.

આજે અરુણ જેટલી હવાઈમાર્ગે અમદાવાદથી સુરત જવા રવાના થશે. સુરતથી તેઓ રોડ માર્ગે નવસારી જિલ્લામાં સ્થિત ઉદવાડામાં આવેલા પારસીઓના ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવા જશે. ઉદવાડાના ઈરાન શાહ કાર્યક્રમમાં દેશના અગ્રણી પારસી ઉદ્યોગપતિઓ રતન તાતા, સાયરસ મિસ્ત્રી, અદી ગોદરેજ, હિન્દી સિનેમાના જાણીતા કલાકાર બોમન ઈરાની વગેરે ભાગ લેશે.

You might also like