Categories: Business

પરિવર્તનની ઝંખના અને બજેટનાં બિંબ-પ્રતિબિંબ

સામાન્ય રીતે કેન્દ્રનાં બજેટ પર વિશ્લેષણાત્મક લેખ લખવો હોય તો અર્થશાસ્ત્રની આંટીઘૂંટી સમજવાની પૂરેપૂરી તજજ્ઞતા ન હોય તો લેખકની ચેષ્ટા વાચકોને અન્યાય કરવા બરાબર કહેવાય, અને વળી કેન્દ્રીય રાજકારણ પર લખાતી નિયમિત કૉલમમાં કેન્દ્રીય બજેટ જેવા મહત્ત્વના વિષયને સ્પર્શ જ ન કરવો, તેને પણ ચોક્કસ પલાયનવાદમાં ખપાવી શકાય. સંસદગૃહની પ્રેસ ગૅલેરીમાં બેસીને નાણામંત્રીને બજેટ રજૂ કરતા જોવાનો રોમાંચ આમ પણ એનેરો છે અને બજેટ રજૂ થતા પહેલાં અને રજૂ થયા પછી સંસદગૃહની લૉબીમાં સાંસદો, અધિકારીઓ, મીડિયાકર્મીઓ કે જુદાં જુદાં રાજ્યોમાંથી આવેલા કેટલાય લોકોના પ્રતિભાવો એ પ્રકારે હોય છે કે તમે અર્થશાસ્ત્રમાં જરા પણ નિપુણ ન હોવ તોય દેશના સામાન્ય નાગરિક માટે બજેટ કેવું છે તેના તારણ પર જરૂર આવી શકો.

આંકડાઓની દૃષ્ટિએ કે કલ્યાણ યોજનાઓની દૃષ્ટિએ જોઇએ તો લગભગ દર વર્ષે સરકાર કંઇક ને કંઇક નવું કરવાની કોશિશ કરતી હોય છે. આ સિલિ૦સલો છેક નહેરુ શાસનથી શરૂ થઇ આજ સુધી ચાલતો રહ્યો છે અને એટલે જ નીવડેલા અનુભવીઓનો એક સૂર હંમેશાં એવો પણ રહેતો  હોય છે કે આમાં કશું નવું નથી. વિરોધ પક્ષોની બાબતે પણ આ જ સિલસિલો જોવા મળે છે જે સરકારના બજેટને મોટાભાગે ચીલાચાલુ અને અભ્યાસ કર્યા વગરના અભિપ્રાય સાથે ધુત્કારી કાઢે છે. આટલી પૂર્વભૂમિકા પછી આ વર્ષના કેન્દ્રીય બજેટને કયા ત્રાજવે તોળી શકાય અને નાણામંત્રી અરુણ જેટલી નવી વિશેષતા સાચે જ લઇ આવ્યા છે, તેના પર નજર કરવી વધુ રસપ્રદ જણાય છે.

નોટબંધી બાદ બેકફૂટ પર આવી ગયેલી સરકારે પોતાના નિર્ણયનો કેટલાક રસપ્રદ આંકડાઓ અને તારણો દ્વારા જે રીતે આત્મવિશ્વાસપૂર્વક બચાવ કર્યો છે, તે એક બાબત તરફ ચોક્કસ અંગુલિનિર્દેશ કરે છે કે મોદી સરકાર અર્થતંત્રની વૃદ્ધિ-સમૃદ્ધિ માટે પાયાની સાફસૂફી પર પણ મક્કમતાપૂર્વક આગળ વધવા માગે છે. ‘સ્વચ્છ ભારત’ એટલે માત્ર કચરાથી મુક્તિ એવો અર્થ કરવાને બદલે જાહેરજીવન અને અર્થકારણમાં પણ ‘સ્વચ્છતા’નો સંદેશ આપવા માગતી હોય તેમ સરકારે ઇન્કમટેક્સ અને આપણા કરમાળખાની કાર્યક્ષમતા ઉપર ચોંકાવી દે તેવા આંકડાઓ રજૂ કર્યા છે.

ભારત જેવા વિશાળ દેશનો વિકાસ કરવો હોય તો નાણાં જોઇએ અને નાણાં માટે કરમાળખા પ્રમાણે અપેક્ષિત કરવસૂલી પણ હોવી જોઇએ. ઊડતી નજરે જોઇએ તો સરકારે રજૂ કરેલા આંકડાઓ પ્રમાણે અસંગઠિત ક્ષેત્રે રોજગારી કરતી લગભગ ૪.૨ કરોડ વ્યક્તિઓની સરખામણીએ નિયમિત પગાર મેળવીને ઇન્કમટેક્સ ભરનારાઓની સંખ્યા માત્ર ૧.૭૪ કરોડની જ છે! દેશમાં નાનામોટા વ્યાપાર-ધંધા કરનારા એકમોની સંખ્યા ૫.૬ કરોડ છે, જેની સામે રિટર્ન ફાઇલ કરનારા માત્ર ૧.૮૧ કરોડ છે. ૩૧-૩-૨૦૧૪ સુધી ૧૩.૯૪ લાખ રજિસ્ટ્રી થયેલી કંપનીઓમાંથી માત્ર ૫.૯૭ લાખ કંપનીઓએ જ એસેસમેન્ટ યર ૨૦૧૬-૧૭ માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યાં છે. આ ૫.૯૭ લાખ કંપનીઓમાંથી પણ ૨.૭૬ લાખ જેટલી કંપનીઓએ તો આવકનાં રિટર્નમાં ખોટ અથવા તો શૂન્ય આવક દર્શાવી છે! ૨.૮૫ લાખ કંપનીઓએ ઍડવાન્સ નફો રૂપિયા એક કરોડ કરતાં પણ ઓછો દર્શાવ્યો છે. ૨૮૬૬૭ કંપનીઓએ રૂપિયા એક કરોજથી દશ કરોડ વચ્ચે નફો દર્શાવ્યો છે અને માત્ર ૭૭૮૧ કંપનીઓએ એડવાન્સ ટેક્સ રૂપિયા દશ કરોડથી વધારે દર્શાવ્યો છે.

વળી કોણ કેટલો ઇન્કમટેક્સ ભરે છે તેના પર નજર નાખીએ તો આંકડાઓ વધુ ચોંકાવી દે તેવા છે. આપણા ૧૨૦ કરોડથી વધુ વસતી ધરાવતા વિકસતા જતા ભારત દેશમાં વર્ષ ૨૦૧૫-૧૬નાં ફાઇલ થયેલાં ઇન્કમટેક્સ રિટર્ન્સ મુજબ આવક માટે રિટર્ન ભરતા માત્ર ૩.૭ કરોડ વ્યક્તિઓમાંથી પણ ૯૯ લાખ વ્યક્તિ દર વર્ષે મળતી અઢી લાખની છૂટની મર્યાદા કરતાં ઓછી આવક હોવાનું દર્શાવે છે! ૧.૯૫ કરોડ વ્યક્તિ અઢી લાખથી પાંચ લાખ સુધીની મર્યાદામાં પોતાની આવક દર્શાવે છે! માત્ર બાવન લાખ લોકો પાંચ લાખથી દશ લાખ સુધીની આવક દર્શાવે છે અને આખા દેશમાં માત્ર ચોવીસ લાખથી લોકો જ એવા છે કે જે પોતાની આવક વર્ષે રૂપિયા ૧૦ લાખથી વધારે હોવાનું દર્શાવે છે! સમગ્ર દેશમાં ૫૦ લાખથી વધારે આવક દર્શાવનારાઓ માત્ર ૧.૭૨ લાખ છે!

નાણામંત્રીએ રજૂ કરેલા આ આંકડાઓની સામે એમણે બે ઉદાહરણ એ પણ રજૂ કર્યાં કે આ જ દેશમાં છેલ્લાં પાંચ વર્ષોમાં સવા કરોડથી પણ વધારે મોટરકારો વેચાઇ છે અને માત્ર વર્ષ-૨૦૧૫માં જ પ્રવાસન કે વ્યવસાય અર્થે વિદેશ જનારાઓની સંખ્યા બે કરોડથી પણ વધારે છે! આનો અર્થ એ થયો કે આપણો સમાજ દેશ માટે કર ચૂકવણીમાં પ્રામાણિક નથી. નાણાંની રેલમછેલ વચ્ચે કરચોરોને પકડવા પણ મુશ્કેલ છે અને જો કરચોરી નાથવામાં ન આવે તો તેનો નકારાત્મક પ્રભાવ ઇમાનદારીથી કર ચૂકવતા નાગરિકો પર પડે છે.

નાણામંત્રી અરુણ જેટલીએ બજેટમાં રજૂ કરેલા આવા આંકડા સાબિત કરે છે કે દેશની અર્થવ્યવસ્થામાં પેસી ગયેલા સડાનાં મૂળમાં જવાનો સફળ પ્રયત્ન નાણામંત્રીએ કર્યો છે. અલબત્ત, આવી સ્થિતિ કેમ સર્જાઇ તે પણ આ તબક્કે વિચારવું જોઇએ. સરકારો બદલાતી જાય તેમ પછીની સરકાર તેના પહેલાંની સરકાર પર દોષનો ટોપલો ઢોળતી રહે છે, પરંતુ જ્યારે આ પ્રકારનું ગહન ચિંતન થતું હોય ત્યારે પક્ષાપક્ષીથી પર રહીને જો વિચારવામાં આવે તો પ્રજાની ઇમાનદારી પર પ્રશ્ન ઉઠાવતા પહેલાં તેનાં પણ મૂળમાં જવું જરૂરી છે.

ભારત જો ઋષિ સંસ્કૃતિનો ભવ્ય સંસ્કાર વારસો ધરાવતો હોય તો તેની પ્રજા શા માટે બેઇમાનીનો રાહ પકડવા સ્વેચ્છાએ નક્કી કરે?  પ્રજાની પણ કંઇક મજબૂરીઓ રહી હશે. વાસ્તવિકતા એ છે કે આપણે જેનો ‘કરચોરી’ શબ્દ તરીકે ઉલ્લેખ કરીએ છીએ તે પ્રજાની નજરમાં ‘કર બચાવ’ હોઇ શકે છે. સ્વતંત્ર ભારતની બધી જ સરકારોના નામે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ લખાયેલા છે, તેમાં બેમત નથી.

સરકારોનું કર્તવ્ય છે સુશાસન આપવાનું. નાગરિકોનાં કલ્યાણ માટે જે નાણાં ઉઘરાવાય છે તે તેના હેતુ મુજબ ધ્યેય સુધી ક્યારેય પહોંચ્યાં નથી એ સર્વવિદિત છે. સરકારોની જવાબદારી છે કે તે પ્રજાને શિક્ષણ પૂરું પાડે. દેશમાં કથળતી રહેલી શિક્ષણ સેવાઓના કારણે નાગરિકોએ મોંઘીદાટ ફી ચૂકવીને સારાં વિદ્યાલયોમાં શિક્ષણ માટે બાળકો પાછળ ખર્ચ કરવો પડે છે. સરકારો સારી આરોગ્ય સેવાઓ નથી આપતી એટલે નાગરિકોએ મોંઘીદાટ હૉસ્પિટલોમાં સ્વજનો અને પોતાના માટે ખર્ચાળ આરોગ્યસેવાઓ લેવી પડે છે. સરકારી દવાખાનાઓ અને હૉસ્પિટલોમાં કરોડો રૂપિયા ભ્રષ્ટાચારમાં ખવાઇ જાય છે એથી ઓછી ગુણવત્તાવાળી દવાઓ અને વ્યવસ્થાઓના કારણે લોકોનો સરકારી સેવાઓમાં વિશ્વાસ રહ્યો નથી. આવું જ પબ્લિક ટ્રાન્સપોર્ટની બાબતમાં પણ કહી શકાય. સરકારો આજ સુધી નિયમિત અને સુસજ્જ કહી શકાય તેવી વાહન વ્યવહારોની સુવિધાઓ આપી શકી નથી. એથી લોકોએ પોતાની અંગત સુવિધાઓ પ્રાપ્ત કરવા નાણાંની બચત કરવી પડે છે. આવું તો અનેક ક્ષેત્રો માટે લખી શકાય એમ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રજાને ગુનેગારના પીંજરામાં પૂરીને સરકારને ઉજળી કરવાની કવાયત રાજકીય લાભ રળી પણ આપતી હોય તો પણ તેમાં વિશ્લેષણની તટસ્થતા વર્તાતી નથી.

હા, ક્યાંકથી તો શરૂઆત થવી જ જોઇએ અને સ્વચ્છતાનો આગ્રહ એ ઉમદા ગુણ હોઇ પ્રત્યેક નાગરિકોએ તેને હ્ય્દયપૂર્વક વધાવવો જરૂરી છે. રાજકીય પક્ષોને અપાતાં દાનને સરકારે ડિજિટલી પેમેન્ટ દ્વારા જ કરાય, તેવો આગ્રહ શા માટે નથી કર્યો, તેનાં કારણો રજૂ નથી કર્યાં, પરંતુ રોકડની મર્યાદા ઘટાડીને આ આક્ષેપમાંથી થોડું બહાર નીકળવા જરૂર પ્રયાસ કર્યો છે.

બજેટનું આંકડાકીય વિશ્લેષણ અને માહિતી માધ્યમોમાં પ્રકાશિત થઇ ચૂકી છે ત્યારે સંક્ષિપ્તમાં એવું લખી શકાય કે મોદી સરકારે રજૂ કરેલા આ ત્રીજા બજેટમાં વિકાસની ગતિ થોડી વધુ થાય અને ખાસ કરીને મધ્યમ વર્ગને થોડી રાહત મળે તેવા પ્રયત્નો જરૂર થયા છે. સસ્તાં મકાન આપવાની દિશામાં સરકારે જે જાહેરાતો કરી છે તે આમ આદમીને ગમે તેવી છે. બાકી કાળાં નાણાંને નાથવા માટે નોટબંધીનો નિર્ણય લઇ લીધા પછી હવે તેને યોગ્ય ઠરાવવા માટે સરકારે બજેટમાં જે આડકતરો પ્રયાસ કર્યો છે, તે માત્ર નાણાંની અછત ઓછી થતા રાહત થવા પૂરતો બરાબર છે, પરંતુ ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહિત કરવા માટે ઇન્ટરનેટ સહિતની માળખાગત સુવિધાઓ અને બેન્કોને સ્થિતિ અંગે સરકારે ફોડ પાડ્યો નથી, એ પણ નોંધવું રહ્યું. કરમાળખાનું સરળીકરણ કરવા માટે કેટલીક કવાયત જરૂરી છે, તેનો સંકેત આ બજેટમાં જોવા મળે છે.

સાવ ઓછા શબ્દોમાં નિષ્કર્ષ તારવવો હોય તો આ બજેટ દ્વારા સરકારે ભારતમાં આમૂલચૂલ પરિવર્તન કરવા માટે ક્યાંક પ્રયાસ કર્યો હોય તેવું જણાય છે, જનશક્તિને ઉત્સાહિત કરવા પણ પ્રયત્ન કર્યો છે અને ખાસ ‘સ્વચ્છતા’નો આગ્રહ સેવી અર્થતંત્રને વેગવાન બનાવવા હામ ભીડી છે.

…અને છેલ્લે,

દેશનો કાયાકલ્પ ઇચ્છનીય જ છે, ત્યારે ‘સ્વચ્છ ભારત મિશન’ને આગળ ધપાવવા સરકારો જો એક ડગલું આગળ વધે તો પ્રજા સ્વયંભૂ બે ડગલાં આગળ વધવા ઉત્સાહિત થતી જ હોય છે, એ શ્રદ્ધા આજે પણ અખંડ હોવી ઘટે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago