ચૌલા દોશી: કૅનવાસ પર પીંછીને બદલે ચપ્પુ ચલાવતાં કલાકાર

“અરે, બેટા શું કરે છે? આમ આખો દિવસ શંુ આ કલર અને બ્રશ લઇ લપેડા કર્યા કરે છે?ભણવાનું કર ભણવાનું.” અને સામે પ્રત્યુત્તર મળે છે કે “જોજે મમ્મી, આ જ લપેડો એક દિવસ મારી ઓળખ બનશે.” આત્મવિશ્વાસ સાથે જવાબ આપનાર આ બાળકી એટલે ચૌલા દોશી. આ નામથી આજે કદાચ કોઇક જ અજાણ્યું હશે. પોતાની આગવી ચિત્રશૈલીથી ખ્યાતિ પામેલાં ચૌલાનો પેઇન્ટિંગ કરવાનો એક નવો જ અંદાજ છે. બ્રશથી પેઇન્ટિંગ તો બધા કરે છે પરંતુ ચૌલા રસોડામાં વપરાતા નાઇફ(ચપ્પુ)નો ઉપયોગ કરી પેઇન્ટિંગ કરે છે. હા, આ વાત બિલકુલ સાચી છે. પ્રથમ વખત તો કોઇનું પણ માનવું શક્ય ન બને કારણ માત્ર એટલું જ કે નાઇફના ઉપયોગથી શાકભાજી સમારી શકાય, કંઇક કાપવું હોય તો કદાચ તેમાં પણ નાઇફનો ઉપયોગ થાય, પરંતુ નાઇફથી પેઇન્ટિંગ કરવું એ તો વિચાર કરવો પણ અઘરો લાગે, પરંતુ  કહેવાય છે કે મહિલા ધારે તો બધું જ કરી શકે. માટે જ નાઇફનો આવો ઉપયોગ પણ એક મહિલા જ કરી શકે અને ચૌલા દોશી પણ નાઇફ વડે અદ્ભુત કારીગરી કરી કૅનવાસ પર ઉતારી છે.

નાઇફને બનાવ્યું બ્રશ

બાળપણથી જ પેઇન્ટિંગનાં શોખીન ચૌલાને પહેલેથી જ કંઇક નવું કરવાનો વિચાર આવતો. અવનવાં ચિત્રો તો તે દોરતાં જ પણ જેમજેમ સમજણાં થતાં ગયાં તેમતેમ તેમના વિચારોને નવી ચેતના મળતી ગઇ. રસોડામાં વપરાતા નાઇફનો ઉપયોગ બ્રશ તરીકે કરવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો તેનો જવાબ આપતાં ચૌલા કહે છે કે, “સ્ત્રી અને રસોડાને તો જનમોજનમનો નાતો છે. રસોડામાં ઉપયોગમાં લેવાતી  નાનીનાની વસ્તુથી દરેક સ્ત્રી જાણે કે બંધાયેલી છે ને જ્યારે આ જ વસ્તુના ઉપયોગથી કંઇક નવું કરવાનો વિચાર આવે તો ચોક્કસથી તેને સફળતા મળે જ છે. મારે પણ બધાથી અલગ કરવું હતું અને માટે જ મેં નાઇફનો ઉપયોગ કરવાનું વિચાર્યું અને બસ પછી તો બેસી ગઇ પેઇન્ટિંગ કરવા. વિચારો આવતા ગયા અને હું ચિત્રો કૅનવાસ પર ઉતારતી ગઇ”.

નાઇફથી પ્રથમ વર્ક

“તે સમયે સૌ પ્રથમ મેં સ્ત્રીશક્તિ પર કામ કર્યું હતું જેમાં સ્ત્રીઓનાં એબસ્ટ્રેક્ટ પોર્ટ્રેટ, એમ્બોઝ વર્કની એબસ્ટ્રેક્ટ સિરીઝ અને ડાન્સ સિરીઝ પણ કરી હતી. આ મારું પ્રથમ નાઇફવર્ક હતું છતાં બધાએ ખૂબ જ આવકાર્યું હતું. છેલ્લાં પંદર વર્ષથી હું આ ક્ષેત્ર સાથે જોડાયેલી છું.”

ક્યુરેટર તરીકે શરૂઆત

ગેલેરીમાં ચિત્રપ્રદર્શન ઉપરાંત અન્ય વિશિષ્ટ આયોજનો પણ કર્યાં છે? તેના પ્રત્યુત્તરમાં ચૌલા કહે છે કે, “આપણે સોસાયટીમાં ચેન્જ લાવી શકીએ તો બહુ સારું અને મને એમ પણ થાય કે આર્ટિસ્ટ તરીકે હું  સ્ટ્રગલ કરતી હતી તો બીજા આર્ટિસ્ટોને  પણ તકલીફ તો રહેતી જ હશેને. આમ વિચારી  મેં આર્ટ ક્યુરેટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. અલગ અલગ રાજ્યો-દેશોના આર્ટિસ્ટોને પોતાની આર્ટ બીજે પહોંચાડવી હોય તો હું તેમના માટે માધ્યમ બની. કુવૈતમાં એશિયાનો બિગેસ્ટ મૉલ છે. ત્યાં સમગ્ર ભારતમાંથી ૩૦ જેટલા આર્ટિસ્ટ સિલેક્ટ કરી એક એક્ઝિબિશન પણ કર્યું હતું. આમ, ચિત્ર પ્રદર્શનની સાથે ક્યુરેટરનું પણ કામ કરવું ગમતું.”

બ્રશ ને નાઇફ વચ્ચે મર્યાદા

બ્રશના વિકલ્પે નાઇફની મર્યાદા સમજાવતાં ચૌલાએ વાત આગળ વધારી. તે કહે છે “જો ટૅક્સચરલ વર્ક કરવું હોય તો નાઇફનો ઉપયોગ કરું છું. જ્યારે ફિનિશિંગવાળું વર્ક કે ફોટોજેનિક વર્ક કરવંુ હોય તો બ્રશનો ઉપયોગ વધુ સારો રહે છે. નાઇફના યુઝથી થતું વર્ક બધાને ઘણું આકર્ષે છે. ઉપરાંત ઘરમાં યુઝ થતી વાટકીના ઉપયોગથી પણ ઘણાં પેઇન્ટિંગ બનાવ્યાં છે. ચારકોલ(કોલસો)ના ઉપયોગથી બનાવેલાં પેઇન્ટિંગ કોલકાતા, ચેન્નાઇ જેવાં અનેક શહેરોમાં ફેમસ થયાં છે. તો વળી અહીંની કોર્પોરેટ ઓફિસમાં નાઇફથી બનેલાં પેઇન્ટિંગ વધુ પસંદ કરી રહ્યાં છે. સામાન્ય રીતે મેટાલિક કલરનાં પેઇન્ટિંગ ઘણાં ઓછાં જોવા મળે છે અને તેમાં પણ નાઇફથી બનેલાં ચિત્રોને લોકો વધુ આવકારે છે.”

જાતથી નહીં આત્માથી કલાકાર

“દરેક વ્યક્તિની વિચારશૈલી અલગ અલગ હોય છે. નાઇફથી દોરેલાં ચિત્રો વિશે પણ કલાજગત સાથે જોડાયેલા અને આમ કલાપ્રેમીઓની વિચારવૃત્તિ અલગ છે. ઘણા લોકો એમ માનતા હોય છે કે ડ્રોઇંગ એટલે ડ્રોઇંગ અને એે એક જ રીતે કરી શકાય. એની આખી પ્રોસેસ હોય કે બાળકથી લઇ મોટા થાવ ત્યાં સુધી આ જ રૂટમાંથી પસાર થવાનું એવી એક મેન્ટાલિટી હોય છે અમુક લોકો તો એવું પણ કહેતાં હોય છે કે ચૌલા દોશી પાસે ફાઇન આર્ટની ડિગ્રી નથી. ભલે મારી પાસે ડિગ્રી નથી  હું જાતથી નહીં આત્માથી કલાકાર છું.” જ્યારે કલાસમીક્ષાની વાત કરવાની હોય તો તેઓ કહે છે કે, “મને ખરેખર લાગે છે કે કલાસમીક્ષાનો વિકાસ હજુ થયો નથી અને સપૉર્ટિંગ એન્વાર્યન્મેન્ટની જરૂર છે. નાઇફ પરના વધુ પ્રયોગો કરવા વિશે વાત કરતા ચૌલા કહે છે કે, “આ એક અલગ જ રીત છે. જે કરવી મને હંમેશાં ગમશે. હું ભવિષ્યમાં પણ નાઇફથી  અનેક નવાં ચિત્રો બનાવતી રહીશ.”

સંદેશ આપતાં ચિત્ર

“હાલમાં પાણીને લઇને મેસેજ આપતાં પેઇન્ટિંગ બનાવી રહી છું. જેમાં બાલટી, પાણીની બોટલ જેવી અનેક વસ્તુઓને લઇને ચિત્રો બનાવીશ. આ પહેલાં પણ મેં સજીવ ટ્રી અને નિર્જીવ ટ્રીને દર્શાવતું ચિત્ર બનાવ્યું હતું. જે વૃક્ષ બચાવો, પાણી બચાવોના મેસેજને સાર્થક કરે છે.”

એક્ઝિબિશન

અત્યાર સુધીમાં ૩૨ એક્ઝિબિશન કર્યાં છે. વિદેશમાં યુ.કે, સ્પેન અને કુવૈતમાં અને ભારતમાં દિલ્હી, ગુડગાંવ, મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ, ભુવનેશ્વર, જલંધર, અમૃતસર જેવાં શહેરોમાં ચિત્રોનાં પ્રદર્શન યોજાયાં છે. આ દરેક જગ્યાએ પેઇન્ટિંગને ઘણાં આવકારવામાં આવ્યાં છે.

મહિલાને ભગવાને ખૂબ જ શક્તિ આપી છે અને તે પોતાની રીતે જ આગળ વધે છે. આ શબ્દો સાથે વાત પૂરી કરતાં ચૌલા કહે છે. “દરેક જગ્યાએ મને સપોર્ટ નથી મળ્યો પરંતુ જો હારીને બેસી જઇએ તો સ્ત્રી નહીં કારણ કે જ્યાં બધાની આશા નિરાશામાં ફેરવાય ત્યારે પણ જેની આશા અમર રહે છે તે છે એક સશક્ત સ્ત્રી.”

મહિલાઓનું તો શું એક દિવસ તેના નામે કર્યો એટલે બસ પત્યું. આવા સમયે મારી, તમારી અને સૌની માતા યાદ આવી જ જાય, કારણ કે તે પણ છે તો એક મહિલા જને. જે રોજ સવારે પાંચ વાગ્યે ઊઠે છે. મારા, તમારા અને બધા કરતાં પહેલાં પપ્પા કરતાં પણ વહેલા ઊઠીને એના રોજના કામમાં લાગે. એની સવાર આપણાં ટિફિન બનાવવાથી શરૂ થાય અને છેક બારના ટકોરે માંડ શ્વાસ લેવા થંભે! બપોરે ઘડીક આંખ મળી જ હોય કે ઘડિયાળના કાંટા ફરી એને થકવવા ઉઠાડે. કોને શું ભાવશે? શું રાંધવું? એય એની ચિંતા અને આ બધાની વચ્ચે જો પપ્પાની ઓફિસનો વર્કલોડ ઘરે આવે તો પત્યુ. છતાં તે

સંભાળી લે. બહેન હોય, ભાઇ હોય કે

પપ્પા, બધાની વાતો સાંભળે અને જવાબ

પણ વાળે. બીજી સવારની રાહ જોતી

છેક બારના ટકોરે પથારીમાં પડે. સમય

બહુ જલદી દોડે છે ને ફરી પાંચના ટકોરે

ઊઠી જાય ! એક સ્ત્રીની આ વાસ્તવિકતા છે પણ આપણે ક્યાંય એનું ઋણ નથી ચૂકવતા ? કેમ ખરુંને?

http://sambhaavnews.com/

You might also like