આર્ટિસ્ટ હેમા ઉપાધ્યાય અને તેના વકીલની લાશ ખોખામાંથી મળી

મુંબઇ : મુંબઇ પોલીસને એક મહિલા અને પુરૂષની ખોખામાં પેક કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે મહિલાની ઓળખ હેમા ઉપાધ્યાય તરીકે આપી છે. જે સ્કલપચર અને ફોટોગ્રાફીમાં મોટુ નામ ગણાય છે. જ્યારે પુરૂષની ઓળખ હર્ષ બાંભણીયા તરીકે થઇ છે જે વ્યવસાયે વકીલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાંદિવલી વિસ્તારનાં એક ખોખામાંથી પ્લાસ્ટિકમાં વિંટળાયેલી એક મહિલા અને પુરૂષની લાશ મળી હતી.

તપાસ કરી રહેલ અધિકારીનાં જણાવ્યા અનુસાર હેમાનાં વર્ષ 2013માં વ્યવસાયે આર્ટિસ્ટ તેવા ચિંતન ઉપાધ્યાય સાથે લગ્ન થયા હતા. જો કે તેમનું લગ્ન જીવન લાંબુ ચાલ્યું નહોતું. હેમાએ પોતાનાં જ પતિ વિરુદ્ધ બેડરૂમમાં અશ્લીલ ચિત્રો દોરવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. જેમાં હેમાનો કેસ હર્ષે જ લડ્યો હતો. આ કેસ બાદ જ હેમા અને હર્ષ પરિચયમાં આવ્યા હતા અને આ પરિચય પ્રેમમાં પરિણમ્યો હોવાનું પોલીસ માની રહી છે.

અત્રે નોંધનીય છે કે હેમા ઉપાધ્યાય ફોટોગ્રાફી અને સ્કલ્પચર ઇન્સ્ટોલેશન ક્ષેત્રમાં ખુબ જ મોટુ નામ ગણાય છે. જો કે હાલ તો પોલીસે અજાણ્યા શખ્સોની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. હાલ પોલીસ હેમા અને હર્ષનાં વિવિધ પાસાઓ પર ધ્યાન આપીને તપાસ કરી રહી છે. ચિંતનની પણ તપાસ કરવા માટેનાં પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

You might also like