વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે ગણેશ વિસર્જનને લઈને સમગ્ર રાજ્યમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી દેવાઇ છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગણેશ વિસર્જનને લઈને આખરી ઓપ અપાઇ દેવાયો છે.

કેટલાંક ઠેકાણે તો વિસર્જનને લઇ કુત્રિમ તળાવો પણ ઉભા કરવામાં આવ્યાં છે. જેથી શહેરની નદીઓ શુદ્ધ રહી શકે. આજે રાજ્યનાં મોટા ભાગનાં રસ્તાઓ પર લોકો ડીજેનાં તાલે ગણેશ વિસર્જન કરશે. ઠેર-ઠેર ગણપતિ બાપ્પા મોરિયાનાં નાદ પણ ગૂંજશે. ભક્તો હર્ષોલ્લાસ સાથે ગણેશજીને વિદાય આપશે.

મહત્વનું છે કે આજે ગણેશ વિસર્જન છે ત્યારે વિસર્જન માટે વડોદરામાં મોટા મોટા ચાર કુત્રિમ તળાવો બનાવવામાં આવ્યાં છે. વડોદરામાં રૂ. 1 કરોડ 74 લાખનાં ખર્ચે આ ચાર કુત્રિમ તળાવો બનાવવામાં આવ્યાં છે. નવલખી, ગોરવા, આજવા રોડ અને ડભોઈ રોડ ખાતે આ ચાર નવા કુત્રિમ તળાવો બનાવવામાં આવ્યાં છે. ત્યારે આ તળાવોમાં અંદાજે 5 હજાર જેટલી મૂર્તિઓનું વિસર્જન થશે. નાની પ્રતિમાઓનું શેરી અને સોસાયટીઓમાં ઘર આંગણે પણ વિસર્જન થશે.

ત્યારે વિસર્જનનાં પગલે સુરક્ષાનાં ભાગરૂપે અર્ધલશ્કરી અને પોલીસ અધિકારીઓનો મોટો કાફલો પણ દરેક શહેરોમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે. 6 હજારથી પણ વધુ સુરક્ષાકર્મીઓ સુરક્ષા માટે તૈનાત કરાયાં છે. એટલું જ નહીં વિસર્જન પર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કેમેરાથી નજર રખાશે. વિસર્જન કરવાનાં સ્થળે પણ ફાયર બ્રિગેડની 24 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. ઉપરાંત વિસર્જનનાં સ્થળે 12 મેડીકલ ટીમો પણ હાજર રહેશે. સુરક્ષાનાં ભાગરૂપે આ તમામ તામજામ ગોઠવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આજે ગણપતિ બાપ્પાની વિદાયનો દિવસ છે ત્યારે રાજ્યભરનાં દરેક શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યાં છે. કેમ કે POPથી બનેલી મૂર્તિઓનું નદીમાં જો વિસર્જન કરવામાં આવે તો તેનાંથી પ્રદૂષણ વધી રહ્યું છે. ત્યારે મહત્વપૂર્ણ છે કે, અમદાવાદમાં પણ AMCએ રૂ. 55 લાખનાં ખર્ચે વિસર્જન કુંડ બનાવ્યાં છે.

બીજી બાજુ ગણેશોત્સવને લઇને તાપી નદીમાં મૂર્તિ વિસર્જન કરવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને લઇને સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યાં છે. શહેરીજનોને અગવડતા ન પડે તે માટે મનપા દ્વારા 10 તળાવો બનાવવામાં આવ્યાં છે. આજ વહેલી સવારથી ગણેશ વિસર્જન શરૂ થઇ ગયું છે. પાંચમાં દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 12થી 15 હજાર મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે અને આ તમામ તળાવો પર વિના મૂલ્ય ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

You might also like