સુપ્રીમમાં કલમ 35-A પર સુનાવણી પહેલાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની 100 કંપની તહેનાત

(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સરકારે મોટી કાર્યવાહીના સંકેત આપતાં સમગ્ર કાશ્મીર ઘાટીમાં સુરક્ષા રાતોરાત વધારી દેવામાં આવી છે. જેકેએલએફના પ્રમુખ અને અલગતાવાદી નેતા યાસિન મલિકની ગત મોડી રાતે ધરપકડ કરવામાં આવી છે અને બીજી તરફ રાજ્યમાં સુરક્ષાદળોનાં ધાડેધાડાં ઉતારી દેવામાં આવ્યાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મૂવમેન્ટ વધારવાના આદેશો જારી કરીને તંત્રને હાઈ એલર્ટ મોડ પર રહેવા જણાવ્યું છે.

ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં અર્ધસૈનિકદળોની ૧૦૦ કંપનીઓ મોકલી છે. બે દિવસ બાદ સોમવારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩પ-એ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાવાની છે. આ સુનાવણી પહેલાં તંત્ર દ્વારા સુરક્ષા ઓચિંતી વધારી દેવામાં આવી છે અને તમામ અલગતાવાદી નેતાઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

યાસિન મલિકને શ્રીનગરના માઈસુમા ખાતેના તેના નિવાસસ્થાનેથી પકડવામાં આવ્યો છે અને હાલ તેને પૂછપરછ માટે કોઠીબાગ પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. આ ઉપરાંત જમાત-એ-ઈસ્લામના અન્ય ૧ર નેતાઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકોને અલગ અલગ સ્થળે રાખીને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં તણાવ ખૂબ વધી ગયો છે. પ્રશાસન કોઈ પણ પ્રકારની ઢીલ આપવાના પક્ષમાં નથી. સોમવારે સુપ્રીમ કોર્ટમાં કલમ ૩પ-એ પર સુનાવણી હાથ ધરાય ત્યારે અલગતાવાદી નેતાઓ કોઈ તોફાન ન મચાવે કે સ્થાનિક લોકોને ઉશ્કેરે નહીં તે માટે સરકાર અત્યારથી જ એલર્ટ થઈ ગઈ છે.

કલમ ૩પ-એની જોગવાઈ જમ્મુ-કાશ્મીર બહારની કોઈ પણ વ્યક્તિને આ રાજ્યમાં અચલ સંપત્તિ ખરીદવાથી પ્રતિબંધિત કરે છે. ઘણા સમયથી આ કલમ હટાવવાની માગણી થઈ રહી છે. બંધારણની આ કલમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.

સૂત્રોનો દાવો છે કે બંધારણની કલમ ૩પ-એ હટાવવા માટે કેન્દ્ર સરકાર નજીકના ભવિષ્યમાં વટહુકમ લાવી શકે છે. આવા સંજોગોમાં રાજ્યમાં તોફાનો ફાટી નીકળે કે સ્થિતિ વણસે તો તેને રોકવા માટે અત્યારથી જ સુરક્ષાદળોની વધારાની ૧૦૦ કંપનીઓ તહેનાત કરી દેવામાં આવી છે.

ગૃહ મંત્રાલયે અર્ધસૈનિક દળોની ૧૦૦ કંપનીઓને કાશ્મીર ઘાટીમાં મોકલી છે, જેમાં સીઆરપીએફની ૩પ, બીએસએફની ૩પ, એસએસબીની ૧૦ અને આઈટીબીપીની ૧૦ કંપનીઓનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલય દ્વારા જમ્મુ-કાશ્મીરના ગૃહ સચિવ, મુખ્ય સચિવ અને ડીજીપીને મોકલેલા ફેક્સમાં જણાવાયું છે કે કાશ્મીર ઘાટીમાં તાત્કાલિક અસરથી આ સુરક્ષાદળોની તહેનાતી કરવામાં આવે. ફેક્સમાં આ વધારાની કંપનીઓ તહેનાત કરવાના કોઈ ચોક્કસ કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

You might also like