સામાન્ય માનવીના હૃદયનો રંગ!

એક બાદશાહ પોતાના મહેલના ઝરૂખામાં બેઠા હતા. તેમની પાસે તેમના વજીર ઊભા હતા. રસ્તા પરથી એક ખેડૂત પસાર થઇ રહ્યો હતો. ખેડૂતના મસ્તક ઉપરનો સાફો જોઇને બાદશાહની આંખો ચમકી. સાફો જાણે અનેકવિધ રંગની લીલા પ્રગટ કરતો હતો. સાફાના જુદા જુદા રંગના પટ્ટા એક સુંદર આયોજનની પ્રતીતિ કરાવતા હતા. બાદશાહે વજીરને કહ્યુંઃ ‘પેલા સાફાવાળા માણસને અહીં બોલાવી લાવો!’

થોડીક જ વારમાં તો ખેડૂત બાદશાહ સમક્ષ હાજર થઇ ગયો. ખેડૂતે નીચા નમીને બાદશાહને સલામ કરી. ખેડૂતે કહ્યુંઃ ‘નામદાર, શો હુકમ છે?’ બાદશાહે કહ્યુંઃ ‘હુકમ નથી, મારે તો એટલું જાણવું છે કે તમે બાંધેલો આટલો સરસ સાફો તમે ક્યાંથી લઇ આવ્યા?’ અનેક રંગોના આવા પટ્ટાવાળા સાફા બજારમાં મળે છે? આવો સાફો મારે આજે ને આજે, હમણાં જોઇએ છે! વજીર, આ ખેડૂતની સાથે આપણો કોઇ માણસ મોકલો!
ખેડૂતે કહ્યુંઃ ‘નામદાર, સાફાનું આ કાપડ તો બજારમાં જ મળે પણ સાફાનું એ કાપડ કોઇ એક જ રંગનું હોય. આપને જે મેઘધનુષના રંગ સાફામાં દેખાય છે તે તો મારી પત્નીની કલા-કરામત છે.’

બાદશાહે અહોભાવથી કહ્યુંઃ ‘અદ્ભુત, અદ્ભુત! ખેડૂત, તું તારી પત્નીને કહે કે આવો જ સાફો મારા માટે તૈયાર કરી આપે! સાફાની કિંમત તો જે લેવી હોય લે લેજો, એમને હું ખાસ ઇનામ પણ આપીશ!’

ખેડૂત તો ઉંમંગ-ઉત્સાહના ઉતાવળા પગલે પોતાના ઘરે પહોંચ્યો અને પત્નીને વાત કરી. પત્ની રાજી થઇ અને પતિને કહ્યુંઃ ‘સાફાની કિંમત અને ઇનામ તો ઠીક છે પણ બાદશાહને સાફો અને એમાં મારી રંગોની ગૂંથણી ગમી તેની મને ખુશી થાય છે. તમે બાદશાહને જઇને કહો કે હું આજથી જ એનું કામ શરૂ કરી દઉં છું અને ચાર દિવસમાં એ સાફો તમે બાદશાહને ભેટ કરી શકશો.’

ખેડૂતે પત્નીનો સંદેશો વજીરને આપ્યો. વજીરે બાદશાહને ખુશખબર આપ્યા. બાદશાહ ચોથા દિવસની રાહ આતુરતાપૂર્વક જોઇ રહ્યા. ચોથા દિવસે ખેડૂત બાદશાહ માટે સાફો લઇ આવ્યો. આ તો દેખાવમાં બિલકુલ સરખો જ હતો, કંઇ જ ફેરફાર નહોતો.

આમ તો પહેલી કે બીજી નજરે પણ તેમાં કશું ખૂટતું નહોતું અને છતાં એવું લાગતું હતું કે એમાં કાંઇક ખૂટે છે. શું ખૂટે છે તે કહેવું મુશ્કેલ હતું. બાદશાહે વજીરને કહ્યુંઃ ‘આમ તો મારા માટેનો આ સાફો બિલકુલ ખેડૂતના સાફા જેવો જ છે, કોઇ પણ માણસ એમ જ માને! કોણ જાણે કેમ પણ મને એમાં કાંઇક ખૂટતું લાગે છે. તમે ખેડૂતને મારી લાગણી જણાવો! એ એની પત્નીને પૂછી જુએ!’

ખેડૂતે પત્નીને પૂછી જોયું અને પત્નીએ જે કહ્યું તેની જાણ કરવા ખેડૂત બાદશાહની સેવામાં હાજર થયો. ખેડૂતે નમીને સલામ કરી અને કહ્યુંઃ ‘આપ નામદારની વાત મેં મારી પત્નીને કરી. તેણે કહ્યું કે બાદશાહ સલામતને કહો કે નામદારની વાત સાચી છે. એમાં કાંઇક જરૂર ખૂટે છે. બાદશાહને કહેજો કે એમાં દિલનો રંગ ખૂટે છે! મેં મારા પતિ માટે જે સાફો બનાવ્યો તેમાં મારા હૃદયનો રંગ હતો. બાદશાહ માટે મેં જે સાફો તૈયાર કર્યો તેમાં મારા દિલનો રંગ ખૂટતો હશે!’
બાદશાહને ખેડૂત-પત્નીની વાત સાચી લાગી. ખેડૂત-પત્ની માટે બાદશાહે સંમતિ અને આદરની લાગણી પ્રગટ કરી.
આ કથામાં એક તથ્ય જોવા મળે છે. ઘણી બધી કલાકૃતિઓમાં એ કાવ્ય હોય કે વાર્તા હોય, તાજમહાલ જેવી ઇમારત હોય, કોઇ તસવીર હોય કે ચિત્ર હોય કે ભીંત‌ચિત્ર હોય તેમજ કલાકૃતિઓ હોય કે કાવ્ય હોય, વાર્તા હોય કે તાજમહાલ જેવી ઇમારત હોય, કોઇ કલા-કારીગરી અને અદ્ભુત સર્જનમાં આટલો જ ફરક હોય છે. માનવીના તમામ પુરુષાર્થને આ વાત અચૂક લાગુ પડે છે. કલાકારની કલાસૂઝ, નિપુણતા, પસીનાના બિંદુની મહેક બધું જ હોય પણ જ્યાં સુધી તેમાં દિલનો રંગ ના ભળે ત્યાં સુધી તેમાં કાંઇક ખૂટતું લાગે છે.

આપણે કહીએ છીએ કે ફલાણા માણસનું કોઇ પણ કામ સરસ હોય છે, કેમ કે તેમાં એ એનું દિલ રેડે છે, એ દિલ દઇને કામ કરે છે. સીધીસાદી મજૂરીમાં પણ કેટલીક વાર આ તફાવત દેખાય છે. ગૃહિણીની ભોજન સામગ્રીમાં પણ આ ફરક જાહેર થઇ જાય છે. આપણે પુત્ર કે પુત્રીને કશીક વિદ્યા શીખવા કે કશુંક સાહસ કરવા વિદાય આપી છીએ ત્યારે આશીર્વચનમાં પણ કહીએ છીએ કે દિલ દઇને કામ કરજે! દિલનો રંગ ભળે છે એટલે બહારથી અણઘડ લાગતું સર્જન પણ એક અલૌકિક રૂપ ધારણ કરી લે છે. આથી દરેક વ્યક્તિ કોઇ પણ કામ હસીખુશી અને હૃદયપૂર્વક કરવાથી કામ દીપી ઊઠે છે.
– લેખકના પુસ્તકમાંથી

You might also like