મંગળબજારમાં વેપારી પાસે ખંડણી માંગવા અંગે બે આરોપીની ધરપકડ

વડોદરા : મંગળબજારમાં એક કાપડ વેપારી પાસેથી રૂ. ૫૦ હજારની ખંડણી ઉઘરાવવા ધાક ધમકી આપી દુકાનમાં તોડફોડ કરી આતંક મચાવનાર ત્રિપુટી પૈકી સીટી પોલીસે માથાભારે બે શખ્સોની ધરપકડ કરી છે. તેઓની પુછપરછ સાથે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે અન્ય એક વોન્ટેડ હોટલ તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વારસીયા વિસ્તારના સિંધુ કો. ઓપરેટીવ સોસાયટીમાં રહેતા દિનેશભાઇ સિંધાણી ઉ.વ. ૨૯ મંગળ બજારમાં રાધિકા ધી ફેમીના બ્યુટીવેયર નામની દુકાન ધરાવે છે.

ગત તા. ૮મીના રોજ આ વિસ્તારના માથાભારે શખ્સો ચિરાગ અશોક પંડ્યા (રહે. કલામંદિરના ખાંચામાં, બન્ટી પંડ્યા તથા નૈનિષ ઘનશ્યામ ભાવસાર ત્રિપુટી દિનેશભાઇની દુકાને ગયા હતા. જ્યાં તેમણે આ દુકાનદારને જણાવ્યું હતું કે, ધંધો કરવો હોય તો રૂ. ૫૦ હજાર આપવા પડશે તેમ જણાવી ધાકધમકી આપી રૂ. ૫૦ હજારની ખંડણી માંગી હતી.

જો દુકાનદારે આપવાની ના પાડતા તેઓ ગઇકાલે ફરી દુકાને આવ્યા હતા. અને રૂ. ૫૦ હજારની માગણી કરી હતી. જે આપવાની ના પાડતા આ ત્રિપુટી ગુંડાગીરી પર ઉતરી આવી દુકાનમાં તોડફોડ શરૂ કરી આતંક મચાવી દીધો હતો. આ સમગ્ર બનાવની ફરિયાદ સીટી પોલીસ મથકે થઇ હતી. જે ફરિયાદના આધારે માથાભારે ત્રિપુટી પૈકી બે ચિરાગ પંડ્યા તથા નૈનિષ ભાવસારની પોલીસે ધરપકડ કરી છે અને તેઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.જોકે ગઇકાલે બનેલા બનાવને પગલે વેપારી આલમમાં રોષની લાગણી ફેલાઇ છે.

ચિરાગ જેવા માથાભારે પાસે પોલીસ લાચાર
વડોદરા : શહેરના કલામંદિરના ખાંચામાં ખંડણી ઉઘરાવવાની ઘટનામાં વેપારી ઉપર હુમલો કરવાના હિચકારા બનાવમાં બેની ધરપકડ કરાઇ જેમાં ચિરાગ નામના ઇસમની સામે પોલીસ કેમ લાચાર બની જતી હશે તેવી વ્યાપક ચર્ચા વેપારી આલમમાં જાગી છે. પોલીસના વિરોધાભાસી અહેવાલની સ્પષ્ટ કરતા નાગરિકોમાં વ્યાપક ચર્ચા પ્રબળ બની છે.

ત્યારે બંટી હિસ્ટ્રીશીટર છે તેમજ ચિરાગ નામના અન્ય માથાભારે ઇસમનો કોઇ જ ક્રિમિનલ રેકોર્ડ નથી તેમ રોકડનાથ પોલીસ ચોકીના પીઆઇ વી.પી. પરમાર જણાવે છે. જોકે, ચિરાગ સામે પોલીસ કેટલી લાચાર છે. વર્ષ ૨૦૧૫માં હનુમાન જયંતિના બે દિવસ અગાઉ ન્યાય મંદિર દૂધવાલા મહોલ્લામાં સાંજના સમયે ચિરાગ દારૂના નશામાં હતો ત્યારે કોઇપણ કારણ વિના ભગતસિંહના પૂતળા નજીકના પાસેના પોલીસ છાવણીમાં ઘૂસી જઇ પોલીસ કર્મી સાથે બિભત્સ વર્તન કર્યું હતું તેમ છતાં આ ઇસમ સામે કોઇ જ પગલાં ભર્યા નહીં.

આ શું બતાવે છે કે પોલીસ લાચાર બની. આ ઉપરાંત આ ચિરાગે સૂરસાગર બોટિંગ ક્લબ પાસે દૂધની લારીવાળા ભૈયાના નાના પુત્ર પર ગુપ્તીથી જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને વિસ્તારમાં ભારે આતંક મચાવ્યો જ્યારે દૂધની લારી ચલાવતા ભૈયા રોકડનાથ પોલીસ ચોકીએ સમગ્ર ઘટનાની જાણ કરવા ગયા ત્યારે પીઆઇ વી.પી. પરમારે આ મામલે બંને પક્ષકારો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.આવા માથાભારે ચિરાગનો કોઇ ક્રિમિનલ રેકોર્ડ નથી તેમ જણાવે તેવી વાત કેટલે અંશે યથાર્થ છે તેવી વેપારી આલમમાં ચર્ચા જાગી છે.

You might also like