PNB કૌભાંડમાં નીરવ મોદીની હવે હોંગકોંગથી ગમે તે ઘડીએ ધરપકડ

નવી દિલ્હી: ૧૩૦૦૦ કરોડના ચકચારી પીએનબી કૌભાંડનો આરોપી નીરવ મોદી હોંગકોંગમાં હોવાની માહિતી મળતાં ભારત સરકારે હોંગકોંગના વિદેશ મંત્રાલયને નીરવ મોદીની પ્રોવિઝનલ ધરપકડ કરી લેવા અપીલ કરી છે. તેથી હવે મોદીની ગમે ત્યારે ધરપકડ થાય તેવા ભણકારા વાગી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તો એવા અહેવાલો પણ વહેતા થઈ ગયા હતા કે પીએનબી કૌભાંડના માસ્ટર માઈન્ડ નીરવ મોદીની હોંગકોંગમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર સમર્થન પ્રાપ્ત થયું નથી.

ગઈ કાલે વિદેશ રાજ્યપ્રધાન વી. કે. સિંહે રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે ભારત સરકારે હોંગકોંગની સરકારને નીરવ મોદીની ધરપકડ કરવા અપીલ કરી છે. આ અંગે તાજેતરમાં ભારતે એક પત્ર પણ પાઠવ્યો છે. નીરવ મોદી અને મેહુલ ચોકસી વિદેશ ફરાર થઈ ગયા બાદ ગત ૧૬ ફ્રેબ્રુઆરીએ આ બંનેને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી, જોકે તેમણે જવાબ નહિ આપતાં ૨૩ ફ્રેબ્રુઆરીએ તેમના પાસપોર્ટ રદ કરી દેવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મામલે નીરવ મોદીની પ્રોવિઝનલ ધરપકડ કરવા ભારત સરકારે અપીલ કરી છે. તેમની ધરપકડ બાદ ઔપચારિક રીતે આત્મસમર્પણની પણ અપીલ કરી શકાય તેમ છે.

બે મહિના પહેલાં પંજાબ નેશનલ બેન્ક સાથે ૧૩ હજાર કરોડની છેતરપિંડી કરવા બદલ સીબીઆઈ દ્વારા મોદી અને ચોકસી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ સરકારે આવી કાર્યવાહી કરી હતી પણ હવે જ્યારે નીરવ મોદી હોંગકોંગમાં હોવાની બાતમી મળી છે ત્યારે ભારત સરકારની અપીલથી હોંગકોંગ સરકાર ગમે ત્યારે નીરવ મોદીની ધરપકડ કરે તેવી સંભાવના છે.

એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેકટે (ઈડી) ગયા મહિને પીએનબી કૌભાંડમાં નીરવ મોદીની કંપની ફાયર સ્ટાર ગ્રૂપના વાઈસ પ્રેસિડેન્ટ શ્યામ સુંદર વાધવાની મુંબઈથી ધરપકડ કરી હતી. કોર્ટે વાધવાને સાત િદવસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ઈડીનો દાવો છે કે શ્યામ સુંદર વાધવા સીએ છે અને તે નીરવ મોદીનો જમણો હાથ છે.

પીએનબી ફ્રોડમાં નીરવ માટે વાધવાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વાધવાએ નીરવ માટે હોંગકોંગમાં બે કંપની બનાવવાની સાથે ડમી ડાયરેક્ટર્સની વ્યવસ્થા કરી હતી. આ ડાયરેક્ટર્સ અને ફર્મ દ્વારા ૫૯૨૧ કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હતું.

You might also like