પોલીસને સગવડ પણ વાહનચાલકોને અગવડ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં લો ગાર્ડન વિસ્તારમાં આવેલા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની સામે લોકોને આવવા જવાના રસ્તાને પોલીસ દ્વારા પાર્કિંગ પોઈન્ટ બનાવી દેવામાં અાવ્યું છે. ફ્લાય ઓવર બન્યા બાદ આ રસ્તો લોકોને આવવા જવા તેમજ આસાનીથી યુ ટર્ન લઈ શકે તે માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો.

પરંતુ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પાસે પાર્કિંગના અભાવના કારણે તે રસ્તાને પાર્કિંગ પોઈન્ટ બનાવી દેવામાં આવ્યો છે. ગુજરાત કોલેજથી એલિસબ્રિજ જવાના રસ્તે ઘણી વખત ટ્રાફિક થઈ જતો હોય છે તેમજ જો એલિસબ્રિજથી વીએસ જવું હોય તો બ્રિજ ઉતરીને યૂ-ટર્ન લેવો પડે છે.

અમદાવાદ શહેરમાં પાર્કિંગે એક દિવસે દિવસે મોટી સમસ્યા બની રહી છે. ત્યારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન સામે પોલીસનો પાર્કિંગ પોઈન્ટ બનાવી દેવામાં આવ્યો છે કારણ છે કે પોલીસ સ્ટેશન પાસે પોતાનાં વાહન પાર્ક કરવાનું તેમજ મુદ્દામાલ રાખવા માટેનું પૂરતું સ્થાન ન હોવાને કારણે બ્રિજ નીચેથી લોકોને અાવવા જવાના રસ્તાને પાર્કિંગ પોઈન્ટ બનાવી દેવાયો છે.

આ અંગે એલિસબ્રિજ પી.આઈ., બી.પી સોનારાઅે જણાવ્યું કે, પોલીસ સ્ટેશન પાસે પૂરતું પાર્કિંગ ન હોવાના કારણે ઉચ્ચ અધિકારી દ્વારા કોર્પોરેશન પાસેથી પોલીસ સ્ટેશન સામેનાંરસ્તા પર વાહનો પાર્ક કરવા માટેની જગ્યા ફાળવવામાં આવી છે

ગુજરાત કોલેજથી વિક્ટોરિયા ગાર્ડન તરફ પોતનાં કામ માટે જતા હિમ વ્યાસે જણાવ્યું કે હું અઠવાડિયામાં ચાર વખત ગુજરાત કોલેજથી એલિસબ્રિજ જતો હોઉં છું. આ રસ્તા પર જ્યારે ટ્રાફિક કન્ટ્રોલ કરવા કોઈ ના હોય ત્યારે લોકો ગમે તેમ નીકળતા હોય છે. ગુજરાત કોલેજથી આવતો ટ્રાફિક અને આશ્રમ રોડથી આવતો ટ્રાફિક ભેગો થઈ જાય છે જ્યારે બીજી બાજુ યુ ટર્ન લેવા માટે પહેલા શોર્ટ કટ હતો પણ હવે બેરિકેડ લગાવી દીધા છે જેથી એલિસબ્રિજ ઊતરીને યુ ટર્ન મારવો પડે છે.

જ્યારે રોજ પોતાના કામ પર જવા માટે બસની રાહ જોતા રાહુલ પટેલ જણાવ્યું કે પહેલાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની સામે બસ ઊભી રહેતી હતી અને બીજી બાજુ લોકો વી. એસથી સીધો રસ્તો હતો જે બેરિકેડ દ્વારા બંધ કરવામાં આવ્યો છે અને હવે બસની જગ્યાથી લોકો જાય છે જેથી હવે બસ નથી ઊભી રહેતી અને સમયસર બસ પકડવા આવવું પડે છે. આટલું જ નહિ જો કોઈ મોટી ગાડી તે જગ્યાએ પાર્ક થઇ જાય તો લોકો આવી અને જઈ પણ શકતા નથી.

You might also like