અર્પિત મહેતાની કાર પર ફાયરિંગઃ જેલમાં રહેલા ગોવા રબારી સહિત પાંચ સામે ફરિયાદ

અમદાવાદ: સિટી પલ્સ મલ્ટિપ્લેક્સના ભાગીદાર અને લવકુશ ઈન્ફ્રાસ્ટ્રકચરના માલિક અર્પિતભાઈ મહેતાની કાર પર મંગળવારે રાત્રે બાઈક પર આવેલા બે શખસોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ મામલે અર્પિતભાઈ મહેતાએ કુખ્યાત ગોવા રબારી સહિત પાંચ લોકો સામે હત્યાની કોશિશ અંગેની ફરિયાદ નોંધાવી છે. વિશ્રામભાઈ ગામી અને દીપક નામની વ્યક્તિએ ગાંધીનગરમાં આવેલી જમીનના મુદ્દે ગોવા રબારીને સોપારી આપી તેના માણસો દ્વારા ફાયરિંગ કરાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ આ મામલે ગોવા રબારીની પૂછપરછ કરી શકે છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા વાડજ સ્વસ્તિક સ્કૂલ નજીક રહેતા અને સિટી પલ્સ મલ્ટિપ્લેક્સના ભાગીદાર તથા લવકુશ ઈન્ફ્રાસ્ટ્રકચરના માલિક અર્પિત રજનીકાંતભાઈ મહેતા પર એક મહિના અગાઉ નવરંગપુરા સીજીરોડ ખાતે તેમની ઓફિસ બહાર અજાણ્યા શખસોએ હુમલો કર્યો હતો.

આ ઘટના બાદ મંગળવારે અર્પિતભાઈ તેમનાં પત્ની, તેમની ભાણી અને ડ્રાઈવર-કમ-ગનમેન સાથે કારમાં નવા વાડજ કરુણા સોસાયટી પાસે પહોંચ્યા ત્યારે બાઈક પર આવેલા બે શખસોએ કાર બે રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.
આ ફાયરિંગની ઘટના બનતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાઈકસવારો નાસી છૂટ્યા હતા.  બીજી વખત હુમલો થતાં અર્પિતભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગાંધીનગરમાં તેમની જમીન આવેલી છે તે જમીનની વિશ્રામભાઈ પ્રેમજીભાઈ ગામી સાથે તકરાર ચાલી રહી છે.

આ તકરારને લઈ વિશ્રામભાઈ અને દીપક નામની વ્યક્તિએ કુખ્યાત ખંડણીખોર અને હાલ બરોડા જેલમાં બંધ ગોવા રબારીને લાખો રૂપિયાની સોપારી આપી હતી અને ગોવા રબારીના મામણસો રાજુ રબારી અને ભાવેશે મંગળવારે રાત્રે અર્પિતભાઈની કાર પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. એસ.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે ગોવા રબારી સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે. જેલમાં બંધ ગોવા રબારીની પણ પૂછપરછ કરવામાં આવશે.

કુખ્યાત ખંડણીખોર છે ગોવા રબારી
ગોવા રબારી એ કુખ્યાત ખંડણીખોર છે. ગોવા રબારી જેલમાં બેઠાં બેઠાં ખંડણી અને જમીન ખાલી કરાવવા જેવા અનેક ગંભીર ગુનાઓનું રેકેટ ચલાવે છે. તેની સામે અનેક મારામારી, હત્યા, હત્યાની કોશિશ અને ખંડણી જેવા ગુનાઓ નોંધાયેલા છે. હાલ ગોવા રબારી આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. માથાભારે ગોવા રબારી સાબરમતી જેલમાંથી ખંડણીઓનું નેટવર્ક ચલાવતો હોવાથી તેને હાલમાં બરોડા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

You might also like