સિક્કિમમાં ચીન સરહદ નજીક બરફના તોફાનમાં 2500 પ્રવાસીઓ ફસાયા

ગંગટોક: ભારતીય સેનાએ ચીન સાથેની સરહદ પર ભારે હિમવર્ષાના કારણે ફસાયેલા રપ૦૦ પ્રવાસીઓને આજે બચાવી લીધા હતા. સિક્કિમમાં એક દિવસ પહેલાં જ ભારે હિમવર્ષા શરૂ થઇ હતી. તેને લઇને નાથુલાપાસ અને ૧૭ માઇલના વિસ્તાર વચ્ચે મહિલાઓ અને બાળકો સહિત રપ૦૦ જેટલા પ્રવાસીઓ ફસાઇ ગયા હતા.

સેનાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ પ્રવાસીઓને રેસ્કયૂ કરવાનું ઓપરેશન હજુ જારી છે. સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર નાથુલાથી પરત આવી રહેલા ૩૦૦થી ૪૦૦ વાહનો બરફના તોફાનમાં ફસાઇ ગયા હતા.

ભારતીય સેનાને જાણ થતાં તાબડતોબ રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ૧પ૦૦ લોકોને ૧૭ માઇલ વિસ્તારના શેલ્ટરમાં રાખવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકોને ૧૩ માઇલ વિસ્તાર પર પહોંચાડવામાં આવ્યા છે. પ્રવાસીઓને ભોજન, દવાઓ અને કપડાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

ભારતીય સેનાએ બરફ સાફ કરવા માટે બે જેસીબી અને બે બુલડોઝર કામે લગાડયા છે. સેનાનું કહેવું છે કે જ્યાં સુધી તમામ પ્રવાસીઓ સહીસલામત ગંગટોક નહીં પહોંચે ત્યાં સુધી રેસ્કયૂ ઓપરેશન જારી રહેશે. સિ‌િક્કમમાં શુક્રવારે સિઝનની પ્રથમ હિમવર્ષા થઇ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના ઊંચા વિસ્તારોમાં બરફની ચાદર છવાઇ ગઇ છે. કેટલાક સ્થળોએ હળવો વરસાદ પણ પડયો છે અને ગંગટોકમાં લઘુતમ તાપમાનનો પારો ૬ ડિગ્રી સુધી ગગડી ગયો હતો.

You might also like