ચીનમાં ભયાનક ભૂસ્ખલનથી ૧૦૦થી વધુ લોકો જીવતા દફન

બીજિંગ: દ‌િક્ષણ-પશ્ચિમ ચીનના ચીચુવાન પ્રાંતના એક ગામમાં ભયાનક ભૂસ્ખલનના કારણે ૧૦૦થી વધુ લોકો જીવતા દફન થઇ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીચુવાન પ્રાંતના એક ગામમાં ભૂસ્ખલન થયા બાદ ૪૦થી વધુ ઘર તબાહ થઇ ગયાં છે અને આ ઘરના લોકો ભૂસ્ખલનમાં જીવતા દબાઇ ગયા છે.

સ્થાનિક મી‌િડયા અનુસાર ભૂસ્ખલનનું કારણ આ પ્રાંતમાં ભારે વરસાદ હોવાનું જણાવાય છે. આ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે ૬-૦૦ વાગ્યાની આસપાસ ઘટી હતી. સતત વરસાદ બાદ ભૂસ્ખલનમાં ૪૦થી વધુ ઘર કાટમાળમાં ફેરવાઇ ગયા હતા. ભૂસ્ખલનના સમાચાર મળતાં જ લશ્કરી દળો અને ઇમર્જન્સી રેસ્કયૂ ટીમનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને હાલ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી ચાલુ છે.

જે સ્થળે ભૂસ્ખલન થયું હતું તે વિસ્તાર મીનજિયાંગ નદીના કિનારે આવેલ છે. ભૂસ્ખલન બાદ શીનમો નામનું એક આખું ગામ સાફ થઇ ગયું છે. ભૂસ્ખલનથી મીનજિયાંગ નદીમાં કાટમાળ પડવાના કારણે લગભગ બે કિલોમીટર સુધીનો રસ્તો બંધ થઇ ગયો હોવાથી રાહત ટુકડીઓને સ્થળ પર પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને તેના પરિણામે રાહત અને બચાવ કામગીરી શરૂ થવામાં વિલંબ થયો હતો.

રાહત કામગીરી માટે અનેક બુલડોઝર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. બુલડોઝરની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ચીનની સત્તાવાર સમાચાર સંસ્થા સીન્હુઆએ જણાવ્યું હતું કે સ્થાનિક લોકો ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ભૂસ્ખલનની ભયાનકતાનો અંદાજ એ પરથી આવે છે કે પહાડનો એક આખેઆખો ભાગ ભારે વરસાદના કારણે ગામ પર તૂટી પડ્યો હતો.

આ ભૂસ્ખલનના કારણે ‌ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેની ભયાનકતા જોતાં એવું લાગે છે કે આ એક ભૂસ્તરીય હોનારત છે અને ખરેખર કેટલી ખુંવારી અને નુકસાન થયું છે તેનો અંદાજ હજુ સ્પષ્ટ થયો નથી, પરંતુ તબાહી અને તારાજી જોતાં આપણે ધારીએ છીએ તેના કરતાં વધુ ખુવારીની દહેશત સેવાઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીનના પર્વતાળ ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ ઘટે છે. આ અગાઉ જાન્યુઆરીમાં ભૂસ્ખલનથી ઓછામાં ઓછા ૧ર લોકોનાં મોત થયાં હતાં અને હુબેઇ પ્રાંતની એક હોટલ ભૂસ્ખલનમાં તબાહ થઇ ગઇ હતી. ઓક્ટોબરમાં ભૂસ્ખલન અને મેગી તોફાનના કારણે મુશળધાર વરસાદમાં પૂર્વ ચીનમાં ભારે તારાજી અને તબાહી સર્જાઇ હતી.
http://sambhaavnews.com/

You might also like