અાર્મીની ગાડી ઝાડ સાથે અથડાતાં અાઠ જવાનોને ઈજાઃ બે ગંભીર

અમદાવાદ: મહેસાણા-પાલનપુર રોડ પર અાર્મીની ગાડી ઝાડ સાથે અથડાતાં અાઠ જવાનોને ઈજા થઈ હતી, જેમાંથી બેની સ્થિતિ નાજુક જણાતાં બંનેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા છે. ચિલોડા અાર્મી કેમ્પમાંથી પાલનપુર જઈ રહેલી અાર્મીની ગાડી નાગલપુર પાટિયા પાસે બાઈકસવારને બચાવવા જતાં જોરદાર ધડાકા સાથે ઝાડ સાથે અથડાતાં અા અકસ્માત સર્જાયો હતો.

જેમાં અાર્મીના અાઠ જવાનોને ઈજાઓ પહોંચી હતી. ગાંધીનગર ચિલોડા ખાતેના અાર્મી કેમ્પના જવાનો પાલનપુર જઈ રહ્યા હતા ત્યારે અા ઘટના બની હતી. અા અકસ્માતમાં સી. છબુરામ રાજપૂત અને પુખરાજ મહંતો નામના બે અાર્મી જવાનોની હાલત અત્યંત ગંભીર જણાતાં બંનેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. અા ઉપરાંત કીમ સ્ટેટ હાઈવે પર અાંધી ગામ નજીક શેરડી ભરી જઈ રહેલ ટેમ્પાના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેમ્પો પલટી ખાઈ ગયો હતો અને ટેમ્પોમાં બેઠેલ દસ જેટલા મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. પોલીસે અા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like