સેનાઅે પાંચ મહિનામાં ૧૦ ખૂંખાર અાતંકવાદીઅોનો ખાતમો કર્યો

શ્રીનગર: કાશ્મીરમાં આતંકવાદી હુમલા વધી રહ્યા છે ત્યારે ભારતીય સેનાએ પાંચ મહિનામાં ટોપ ૧૦ આતંકવાદી કમાન્ડરનો સફાયો કર્યો છે. સેનાએ તેની રણનીતિમાં ફેરફાર કરી ગુપ્ત ઓપરેશનમાં ટોચના આતંકવાદીઓને ઠાર કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જાન્યુઆરી ૨૦૧૬થી અત્યાર સુધીમાં સેનાએ કુલ બાવન આતંકવાદીને ઠાર માર્યા છે.
મોટા ત્રાસવાદીઓ ઠાર  આ આતંકવાદીઓમાં હિજબુલ મુજાહિદીનનો કમાન્ડર આશિકહુસેન,લશ્કર કમાન્ડરને અબુ હાફિઝનો સમાવેશ થાય છે. હિજબુલ મુજાહિદીનના મોસ્ટ વોન્ટેડ તારિક પંડિતે આત્મસમર્પણ કર્યું હતું. એક માહિતી અનુસાર કાશ્મીર ઘાટીમાં સેનાએ જેહાદીના ટોપ કમાન્ડરોને ઠાર કરવા ઓપરેશન ધર્યુ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે ૧૫ જેટલા ટોચના આતંકવાદીઓએ એલઓસી પાર કરી ઘૂસણખોરી કરી છે. જેમાંથી સેનાએ ૧૦ આતંકવાદીને ઠાર કર્યા છે. એક માહિતી મુજબ ૧૨ આતંકવાદી ગત ૧૨ એપ્રિલે દર્દપોરા ગામથી કાશ્મીરમાં ઘુસ્યા હતા. જ્યારે અન્ય છ આતંકવાદી ૧૭ એપ્રિલ આસપાસ લોલાબ તરફથી ઘુસ્યા હતા.

બહારથી મદદ મળી રહી છે
ગુપ્ત જાણકારી અને આધુનિક ટેકનોલોજી તેમજ સમન્વિત ઓપરેશનના સારાં પરિણામ સેનાને મળી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય ગુપ્ત એજન્સી પણ મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીઓ પર વોચ રાખી રહી છે. સંરક્ષણ નિષ્ણાત મેજર જનરલ (નિવૃત્ત) આર.કે. અરોરાના જણાવ્યા અનુસાર અમેરિકા અને અફઘાનિસ્તાન સાથે ગુપ્ત માહિતી મેળવવા ઉપરાંત એજન્સીઓ સેનાને ઓપરેશન સફળ બનાવવામાં સહાય કરી રહી છે.

આતંકવાદીઓ સામેની અથડામણમાં સેનાએ પણ૧૨ જવાનો ગુમાવ્યા છે. આતંકવાદીઓની ઘુસણખોરીના પ્રયાસમાં વધારો થયો છે.૨૦૧૫ માં જમ્મુ-કાશ્મીરમાં ૧૨૧ વાર આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓ ૩૩ વખત સફળ રહ્યા હતા.

૨૦૧૪માં ૪૬ ત્રાસવાદીનો સફાયો
૨૦૧૪માં પણ ૨૨૨ વખત આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેમને ૬૫ વખત સફળતા મળી હતી. જોકે ૨૦૧૪માં સેનાએ ૪૬ ત્રાસવાદીને ઠાર કર્યા હતા.

You might also like